નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે કોંગ્રેસ વર્કીંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી પરિવારે છોડવું જોઈએ, જેથી અન્યને તક મળે. સિબ્બલે પાર્ટીમાં રાહુલની દખલગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સિબ્બલના નિવેદન પર પલટવાર કર્યો છે. ગેહલોતે કહ્યું કે સિબ્બલ કોંગ્રેસના કલ્ચરને જાણતા નથી. તેઓ પાર્ટીની એબીસીડી પણ જાણતા નથી. સિબ્બલ એક સારા વકીલ રહ્યા છે, સોનિયાજી અને રાહુલજીએ તેમને ઘણી તકો આપી છે.
બીજી તરફ, પાર્ટીમાં હોબાળા વચ્ચે, કપિલ સિબ્બલે બુધવારે અસંતુષ્ટ જૂથ ગણાતા જી-23 નેતાઓને તેમના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં સિબ્બલે કહ્યું કે રાહુલ ગાંધી ડિફેક્ટો પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. તેમણે પંજાબમાં મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો હતો. મને જણાવો કે તેમણે આ નિર્ણય કઈ ક્ષમતામાં લીધો? સિબ્બલે કહ્યું કે અમારી માગ છે કે ઘરની કોંગ્રેસને બદલે સૌની કોંગ્રેસ હોવી જોઈએ. હું મારા અંતિમ શ્વાસ સુધી આ માટે લડીશ.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પાર્ટીમાં સુધારા માટે પત્ર લખ્યો હતો. પત્ર વાઈરલ થઈ જતા કોંગ્રેસમાં હોબાળો થયો હતો. આ જૂથમાં સિબ્બલનો પણ સમાવેશ થાય છે. પાંચ રાજ્યોમાં કારમા પરાજય બાદ તાજેતરમાં જ ગુલામ નબી આઝાદના ઘરે જી-23 સભ્યોની બેઠક પણ યોજાઈ હતી. જોકે, બેઠક પછી, બે G-23 સભ્યો ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ પણ CWCની બેઠકમાં હાજરી આપી હતી.


