નવી દિલ્હી: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પર ગાંધી પરિવારનાં આધિપત્યને પડકાર આપતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ શેહજાદ પુનાવાલાએ પાર્ટી પ્રમુખની ચૂંટણીપ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. પુનાવાલાએ કોંગ્રેસમાં યોજાઈ રહેલી પાર્ટી પ્રમુખની ચૂંટણીને સુનિયોજિત ગણાવી રાહુલ ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપવા પડકાર ફેંક્યો છે. પુનાવાલાએ જણાવ્યું હતું કે, જો પાર્ટી પ્રમુખપદની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તો હું ચૂંટણી લડવા તૈયાર છું. પુનાવાલાએ રાહુલ ગાંધીને આ સંદર્ભમાં એક પત્ર પણ લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું સુનિયોજિત ચૂંટણી લડી શકું નહીં. આ ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન છે. જે લોકો કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીમાં મતદાન માટે પસંદ કરાયાં છે તેમની ચૂંટણી બંધારણીય જરૂરિયાત પ્રમાણે થઇ નથી. તેમને પસંદ કરાયાં છે.


