નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ૨૭ વર્ષ બાદ ફરી સત્તા હાંસલ કરવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસે ૭૮ વર્ષના શીલા દીક્ષિતને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે સતત ૧૫ વર્ષ સુધી દિલ્હીનાં મુખ્ય પ્રધાન રહેલાં શીલાને ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ ગુરુવારે પક્ષના વડા મથકે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શીલા દીક્ષિતના નામની જાહેરાત કરી હતી.
કોંગ્રેસની નજર ઉત્તર પ્રદેશના ૧૦ ટકા બ્રાહ્મણોની વોટબેંક પર છે. પંજાબી ખત્રી પરિવારમાં જન્મેલાં શીલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કદાવર બ્રાહ્મણ નેતા રહેલા ઉમાશંકર દીક્ષિતના પુત્રવધૂ છે.
આ સાથે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે રાજ્યસભાના સાંસદ ડો. સંજય સિંહને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન આર.પી.એન. સિંહને પ્રદેશના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે સમન્વય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે, જે સમિતિના અધ્યક્ષ પ્રમોદ તિવારી હશે. પ્રિયંકા ગાંધીને સમગ્ર યુપીમાં ચૂંટણીપ્રચાર કરવા સૂચવાયું છે.