કોંગ્રેસે કરેલા પાપોની સજા દેશને ભોગવવી પડે છેઃ વડા પ્રધાન

Thursday 08th February 2018 07:59 EST
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદના બે ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણ વિશે આભાર પ્રસ્તાવ પર જવાબ આપતાં વિરોધ પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. સંસદમાં વિરોધ પક્ષોના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે મોદીએ દોઢ કલાક સુધી તેમનું ભાષણ ચાલ્યું હતું. સામાન્ય રીતે મોદીના ભાષણ વખતે ગૃહમાં શાંતિ જળવાય છે અથવા મોદી બોલવાનું બંધ કરતા હોય છે, પરંતુ કદાચ પહેલી વાર દોઢ કલાક સુધી શોરબકોર વચ્ચે મોદીનું ભાષણ ચાલ્યું હતું. મોદીના ભાષણનો વિરોધ કરીને કોંગ્રસ સહિતના વિપક્ષોનો વિરોધ કરીને કોંગ્રેસ સહિતના વિપક્ષોના સાંસદો વોકઆઉટ કરી ગયા હતા. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ‘તમારું ચરિત્ર જ ભાગલા પાડવાનું છે. તમે ભારતના ભાગલા પાડ્યા હતા. આજે ૭૦ વર્ષ પછી પણ તમારા એ પાપની સજા સવાસો કરોડ ભારતીયો ભોગવે છે.’ આંધ્ર પ્રદેશમાં એનડીએના સાથી ટીડીપીની નારજગી મામલે મોદીએ કહ્યું કે ‘કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં લઈને સંસદના દરવાજા બંધ કરીને આંધ્ર પ્રદેશના લોકોની લાગણીની પરવા કર્યા વગર જ તેલંગાણા રાજ્યની રચના કરી નાખી. આજે ચાર વર્ષ પછી પણ સમસ્યાઓ સળગી રહી છે. આ પ્રકારની બાબતો તમને સારી નથી લાગતી. તમારા વડા પ્રધાન રાજીવ ગાંધીએ હૈદરાબાદમાં ચૂંટાયેલા લોકપ્રિય મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું હતું. રામારાવ જેવાએ તેમની ફિલ્મ કારકિર્દી છોડીને રાજનીતિમાં આવવું પડ્યું હતું. આ દેશમાં ૯૦થી વધુ વાર કલમ ૩૫૬નો દુરુપયોગ કરાયો અને રાજ્યોમાં ઊભરતા પક્ષોને ફેંકી દેવાયા. તમે પંજાબમાં અકાલીઓ સાથે શું કર્યું?’

મોદીએ કહ્યું કે ‘તમે (કોંગ્રેસ) કહો છો કે અમે ગાંધીજીનું ભારત ઈચ્છીઠએ છીએ. અરે જી, અમે પણ એ જ કહી રહ્યા છીએ કે અમારે પણ ગાંધીજીનું જ ભારત જોઈએ છે. કારણ કે ગાંધીજીએ કહ્યું હતું કે સ્વતત્રતા મળી ગઈ છે, હવે કોંગ્રેસની કોઈ જરૂર નથી. કોંગ્રેસને વિખેરી નાખો. હું એ જ કરી રહ્યો છું, કોંગ્રેસ મુક્ત ભારત, આ મોદીનો નહીં - ગાંધીજીનો વિચાર છે.’ મોદીએ મલ્લિકાર્જુન ખડગેના કર્ણાટક સંબંધિત ભાષણની ટીકા કરતા બશીર બદ્રની શાયરી લલકારી હતી અને કહ્યું કે ‘દુશ્મની જમકર કરો, લેકિન યહ ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએ, તો શર્મિંદા ન હો.’

મોદીએ તેમના ભાષણમાં તેમની સરકારની સિદ્ધિઓ ગણાવવાનું શરૂ કર્યું એટલે વિપક્ષોએ હોબાળો કર્યો હતો. વિપક્ષોએ ‘તાનાશાહી નહીં ચલેગી’, ‘જુઠા ભાષણ બંધ કરો’, ‘ધમકાના બંધ કરો’ સહિતના સૂત્રો પોકાર્યા હતા. આ શોર વચ્ચે મોદીએ કહ્યું કે ‘સાંભળવાની હિંમત હોવી જોઈએ, મારો અવાજ દબાવવા માટે આટલા પ્રયાસ પૂરતા નથી. અગાઉની સરકારમાં રોજના ૧૧ કિમી નેશનલ હાઈવે બનતા હતા, આજે બાલીસ કિલોમીટર બની રહ્યા છે. અમારી સરકારે ત્રણ વર્ષમાં ૧.૨૦ લાખ કિમી રોડ બનાવ્યા. ૨૦૧૧થી ૨૦૧૪ સુધી માત્ર ૫૯ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડ્યું, આજે અમે એક લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડી દીધું છે.’

નેમ ચેન્જર નહીં, એમ ચેન્જર 

કોંગ્રેસે તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર નેઇમ ચેન્જર છે અને યુપીએની સરકારના સમયની જ યોજનાઓનાં નામ બદલીને નવી યોજના તરીકે તેને રજૂ કરી રહી છે. તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે ‘ગૃહમાં જનધન યોજનાનો ઉલ્લેખ કરાયો. તમે (કોંગ્રેસ) કહ્યું કે આ તો પહેલાં પણ થયું હતું, હકીકત આપણે સ્વીકારવી જોઈએ. અમે તો નેઇમ ચેન્જર છીએ, ગેમ ચેન્જર નથી. પણ તમે હકીકત સ્વીકારશો તો કહેશો કે અમે એિમ ચેન્જર છીએ, જે લક્ષ્યનો પીછો કરીએ છીએ તેને પ્રાપ્ત કરીને જ રહીએ છીએ.’

રફાલ સોદો હવે યોગ્ય

વિપક્ષે રફાલ ડીલ અંગે વ્યક્ત કરેલી શંકાના જવાબમાં સરકારે કહ્યું છે કે અગાઉ કોંગ્રેસના શાસનમાં નક્કી થયેલા સોદા કરતાં આ સોદો વધારે સારો છે. કોંગ્રેસ સરકાર ૧૦ વર્ષના શાસનમાં પણ આ સોદો પાર પાડી શકી ન હતી. એનડીએ સરકારે માત્ર એક જ વર્ષમાં સોદો પાર પાડી દીધો. વાયુદળની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે ૩૬ રફાલ યુદ્ધવિરામ ખરીદવા માટે ફ્રાન્સની સરકાર સાથે સોદો કરવામાં આવ્યો હતો જે તમામ પ્રકારે સંરક્ષણ ખરીદીની પ્રક્રિયાને અનુરૂપ છે. સોદાની વિગતો જાહેર કરવાની માગણી અવાસ્તવિક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter