કોઇ ભાઇને શોધે છે તો કોઇ પિતાને

Tuesday 09th February 2021 11:17 EST
 
 

દહેરાદૂનઃ રૈની દુર્ઘટના બાદ લાપતા લોકોના પરિજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા છે. ભીની આંખોએ સહુ કોઇ ચમત્કારની વાટ જોઇ રહ્યા છે. કોઇ પોતાના ભાઇને શોધી રહ્યું છે તો કોઇ પિતાને. પાંચ વર્ષની માસુમ સૃષ્ટિ તેની માને સતત પૂછી રહી છે કે પપ્પા રમકડાં લઇને ક્યારે આવશે? લાપતા લોકોમાં તેના પિતા રમણ કંડિયાલનો પણ સમાવેશ થાય છે. સંદીપ નામનો યુવાન ડેમ પ્રોજેક્ટની કંપનીમાં કામ કરતો હતો. તેને શોધવા મોટો ભાઇ હરેન્દ્ર રૈની ગામ પહોંચ્યો છે. કાટમાળના ઢગલામાં કામ કરી રહેલા જેસીબી મશીનોને તે ભીની આંખે, પણ ભારે આશા સાથે જોઇ રહ્યો છે. હરેન્દ્ર કહે છે કે નાના ભાઇને બે દીકરીઓ છે.

બીજી તરફ હરિદ્વારથી આવેલો સંદીપ એક અધિકારી પાસેથી બીજા અધિકારી પાસે જઇને પોતાના ભાઇ વિક્કી વિશે માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. વિક્કી હરિદ્વારની એક ઇલેક્ટ્રિક કંપની તરફથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરવા આવ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. સંદીપને વિક્કીના મિત્રો પાસેથી એટલું જાણવા મળ્યું છે કે દુર્ઘટનાના સમયે તેનો ભાઇ પ્રોજેક્ટના ગેટ સુધી પહોંચેલો જોવા મળ્યો હતો, પણ પછી તેની કોઇ ભાળ મળી રહી નથી. દુર્ઘટના બાદથી સ્થાનિકો એટલી હદે ડરી ગયા છે કે તેઓ પોતાના ઘરે પરત જવા તૈયાર નથી. અનેક ગ્રામજનો કાતિલ ઠંડીમાં પણ માર્ગો પર રાત પસાર કરી રહ્યા છે.

દમ લગા કે હઇસાથી... જય બદરીનાથનો જયઘોષ

ચમોલીમાં આવેલા જળ પ્રલયના કારણે ૧૫૦થી વધુ લોકોના ભયની શંકા સેવાઈ રહી છે પણ બીજી તરફ એનટીપીસી પ્લાન્ટ પાસે આવેલી ટનલમાં ૧૬ જેટલા લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને પૂરના પાણી ઓસરી ગયા બાદ બચાવવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મીના જવાનો, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપીના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા જેસીબી મશીન્સ અને અન્ય સાધનોની મદદથી ટનલમાંથી કાટમાળ કાઢવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ સૈન્યના જવાનોએ ટનલની બીજી તરફ ખાડો કરીને જે કામદારો ફસાયા હતા તેમને કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક પછી એક તમામ કામદારોને શોધી કાઢવામાં આવ્યા હતા. દમ લગા કે હઇસા જેવા સૂત્રોચ્ચાર દ્વારા નાસીપાસ થયેલી ચેતનાને જિવંત કરીને ૧૬ કામદારોમાં નવો પ્રાણવાયું ફૂંકીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. એક તબક્કે અશક્ય લાગતું કામ જવાનોએ પાર પાડયું હતું. આખરે ૧૬ કામદારો બહાર આવી ગયા બાદ લોકોએ જય બદ્રીનાથના જયઘોષ કરીને ઈશ્વર અને જવાનોનો આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter