કોચીમાં વિશ્વનું પ્રથમ સૌર ઊર્જા સંચાલિત એરપોર્ટ

Friday 21st August 2015 03:48 EDT
 
 

કોચીઃ કેરળ રાજ્યના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સંપૂર્ણપણે સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટનું ૧૮ ઓગસ્ટે મુખ્ય પ્રધાન ઓમાન ચાંડીએ લોકાર્પણ કર્યું હતું. એરપોર્ટ માટે ૧૨ મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત કરાયો છે. સમગ્ર એરપોર્ટનું સંચાલન કરવા માટે રોજની ૫૦થી ૬૦ હજાર યુનિટ વીજળીની જરૂર પડે છે. આ બધી જરૂરિયાત હવે એરપોર્ટની બાજુમાં જ ગોઠવાયેલો સોલાર પ્લાન્ટ પૂરી પાડશે.
પરંપરાગત ઊર્જા સ્ત્રોત ખતમ થઈ રહ્યાં છે ત્યારે હવે સોલાર, થર્મલ, વિન્ડ, ટાઈડ એનર્જીનો સહારો લીધા વગર છૂટકો નથી. કેરળ રાજ્યે સૌર ઊર્જાની મોટી મોટી વાતો કે માત્ર પ્રોજેક્ટો જાહેર કરવાના બદલે માત્ર છ મહિનામાં સમગ્ર એરપોર્ટને સૂર્યશક્તિથી ધમધમતું કરી બતાવ્યું છે. સમગ્ર વિશ્વમાં કુલ ૪૪,૦૦૦ એરપોર્ટ છે જ્યારે ભારતમાં ૩૫૨ એરપોર્ટ છે. આ બધામાં કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ અનોખું સાબિત થયું છે.
સૌર ઊર્જા સંચાલિત આ એરપોર્ટને કારણે આગામી ૨૫ વર્ષમાં હવામાં ૩ લાખ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ ભળતો અટકશે. એરપોર્ટ પાસેની જમીનમાં સરકારે ૪૫ એકર જમીનમાં ૪૬,૧૫૦ સોલાર પેનલો લગાવીને પ્લાન્ટ તૈયાર કર્યો છે. જોકે કોચી એરપોર્ટે આ ચમત્કાર રાતોરાત નથી કર્યો. માર્ચ ૨૦૧૩થી જ અહીં સોલાર પાવરનો વપરાશ શરૂ થયો હતો. જોકે એ વખતે માત્ર છત પર કેટલીક સોલાર પેનલ લગાવીને ૧૦૦ કિલોવોટ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવતી હતી. હવે આખા એરપોર્ટ જેટલી ઊર્જા સોલાર સેલથી મળે છે. આગામી દિવસોમાં કેરળ વધુ કેટલાક સોલાર સંચાલિત પ્રોજેક્ટ લોન્ચ કરશે. કેરળનું પાટનગર તો દક્ષિણે આવેલું શહેર ત્રિવેન્દ્રમ્ છે. પરંતુ કેરળનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત એરપોર્ટ કોચીનું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter