કોરોનાગ્રસ્ત નારાયણદાદાની દિલેરીઃ યુવા દર્દી માટે બેડ ત્યાગ કરીને સ્વેચ્છાએ મૃત્યુ સ્વીકાર્યું

Wednesday 05th May 2021 00:37 EDT
 
 

નાગપુરઃ ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી હોઈ દેશભરની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ ઈમરજન્સી દવાઓની તીવ્ર ખેંચ વર્તાઈ રહી છે. આ માહોલ વચ્ચે કોરોનાથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક વરિષ્ઠ નાગરિકે માનવતાનું આગવુ ઉદાહરણ આપ્યુ છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ૮૫ વર્ષીય વરિષ્ઠ નારાયણ ભાઉરાવ દાભાડકરે એમ કહીને એક યુવક માટે પોતાને ફાળવવામાં આવેલો બેડ ખાલી કરી દીધો હતો કે મેં મારી સંપુર્ણ જિંદગી જીવી લીધી છે, પરંતુ આ વ્યક્તિના માથે તો પુરા પરિવારની જવાબદારી છે, તેના બાળકો અનાથ થઈ જશે. હોસ્પિટલના બેડનો ત્યાગ કરીને નારાયણ રાવ ઘેર જતા રહ્યા અને ત્રણ દિવસમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ રાવના ભરપુર વખાણ કરી રહી છે.
નાગપુરના નારાયણ ભાઉરાવ દાભાડકરને કોરોનાનો ચેપ લાગતા તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૬૦ સુધી પહોંચી ગયુ હતુ. તેમના જમાઈ અને પુત્રી ભારે દોડધામ કર્યા બાદ તેમને ઈન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા હતા. લાંબી પ્રતિક્ષા બાદ નારાયણ રાવને બેડ પણ મળી ગયો હતો. આ દરમિયાન એક મહિલા ભારે વિલાપ કરતી આવી, તે પોતાના ૪૦ વર્ષીય પતિને લઈ હોસ્પિટલમાં આવી હતી. મહિલા પોતાના પતિને બેડ મળે તે માટે હોસ્પિટલ સત્તાવાળાઓને આજીજી કરી રહી હતી.
મહિલાનું દુઃખ જોઈને નારાયણ રાવે ડોકટરને કહ્યું હતું કે મારી વય ૮૫ વર્ષને પાર થઈ ચૂકી છે. ઘણુ બધુ જોઈ ચૂક્યો છું, મારુ જીવન પણ સારી રીતે જીવી ચૂક્યો છું. બેડની જરૂરિયાત મારા કરતા વધારે આ મહિલાનાં પતિને છે. આ વ્યકિતના બાળકોને પોતાના પિતાની છાયાની જરૂર છે. નહીંતર તેઓ અનાથ થઈ જશે.
આમ નારાયણે પોતાના બેડનો ત્યાગ કરીને મહિલના પતિને આપી દીધો. તેમનો આગ્રહ જોઈને હોસ્પિટલના તંત્રે તેમની પાસે કાગળ પર લખાણ લીધુ, ‘હું મારો બેડ બીજા દર્દીના માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું.’ દાભાડકરે મંજૂરી પત્ર પર સહીને કરીને ઘેર પરત જતા રહ્યા. કોરોનાગ્રસ્ત નારાયણની ઘરમાં જ સારવાર શરૂ કરાઈ, તેના ત્રણ દિવસમાં જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા. નારાયણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યુ હતું.

સોશિયલ મીડિયા પર લોકોની સલામ
નાગપુરની હોસ્પિટલનો સમગ્ર ઘટનાક્રમ સામે આવતા હજારો લોકોએ ટ્વિટર પર દાભાડકરને શ્રધ્ધાંજલિ અર્પી છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ પોતાની ફેસબુક પોસ્ટમાં નારાયણજીના અદ્દભૂત ત્યાગનો ઉલ્લેખ કરતા લખ્યુ, જે લોકો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સદ્દકાર્ય ભાવના અને સંસ્કારોથી સુપરિચિત છે, તેમને ખબર છે કે આ એક એવુ સેવાભાવિ સંગઠન છે, જે પોતાના પ્રાણની આહુતિ આપીને પણ સેવા કરવાનું ચૂકતુ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter