નવી દિલ્હીઃ કોરોનાના ઉપચાર માટે ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા 2DGને સોમવારે લોંચ કરાઇ હતી. હવે દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરી શકાશે. આ દવા પાઉડર સ્વરૂપમાં છે. આ દવાનો સૌપ્રથમ ઉપયોગ દિલ્હીની DRDO કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને માટે કરાશે. સંરક્ષણ પ્રદાન અને સ્વાસ્થ્ય પ્રધાનની હાજરીમાં લોંચ કરવામાં આવેલી આ દવા માટે DRDના વડા જી સતીષ રેડ્ડીએ જણાવ્યું હતું કે હાલમાં સપ્તાહમાં ૧૦,૦૦૦ની આસપાસ ઉત્પાદન થશે. સોમવારે તેનો ઉપયોગ AIIMS, AFMS અને DRDO હોસ્પિટલમાં કરાશે. અન્ય રાજ્યોને આગામી તબક્કામાં આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહથી દેશના તમામ રાજ્યોમાં આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ દવા કોરોના વાઇરસના કોષો પર સીધી અસર કરે છે. શરીરનું ઇમ્યૂન સિસ્ટમ કામ કરતું થશે અને દર્દી ઝડપથી સાજો થશે. આ દવાને દર્દીના વજન અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ઓછામાં ઓછા પાંચથી સાત દિવસ સુધી સવાર-સાંજ બે ડોઝ લેવી પડશે.
અનેક ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા
ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના સહયોગથી તૈયાર કરવામાં આવેલી આ દવાની ક્લિનિકલ ટ્રાયલ દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવી છે. DRDOના અધિકારીઓ અનુસાર દેશની ૨૭ હોસ્પિટલમાં આખરી ટ્રાયલ કરવામાં આવી હતી. ટ્રાયલમાં જણાયું હતું કે આ દવાનો ઉપયોગ કરવાથી હોસ્પિટલમાં દાખલ દર્દી ઝડપથી સાજો થાય છે. આ ઉપરાંત ઓક્સિજન પરની આધારિતતા પણ ઓછી થાય છે. સરકારનો દાવો છે કે જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેમનામાંથી મોટાભાગના દર્દીઓનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કોવિડ સામે કેવી રીતે કામ કરશે આ દવા...
2DGને હાલમાં સેકન્ડરી મેડિસિન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ દવા મહદઅંશે ગ્લુકોઝ જેવી છે, પણ ગ્લુકોઝ નથી. વાઇરસ શરીરમાં પહોંચતા જ પોતાની કોપી બનાવવાની શરૂઆત કરે છે, આના માટે તેને તાકાત જોઇતી હોય છે જે ગ્લુકોઝમાંથી મળે છે. જ્યારે આ દવાને ORSની માફક પાણી સાથે ઘોળીને આપવામાં આવશે તો વાઇરસ આ ગ્લુકોઝ એનાલોગને લેશે અને તેમાં જ ફસાઇ જશે. પરિણામે તે પોતાની કોપી નહીં બનાવી શકે એટલે કે તેની વૃદ્ધિ રોકાઇ જશે.
કોઈ આડઅસર ન હોવાનો દાવો
આ દવાની કોઈ આડઅસર છે ખરી? ડો. ચંદના કહે છે કે ટ્રાયલ દરમિયાન સામાન્ય અને ગંભીર દર્દીઓને આ દવા આપવામાં આવી હતી. તમામ દર્દીઓને તેનાથી ફાયદો જ થયો, કોઇના પર કોઇ પ્રતિકૂળ અસર જોવા મળી ન હતી. તેમના મત પ્રમાણે આપણે કહી શકીએ કે આ દવાની કોઈ આડઅસર નથી.