કોરોનાનું હવે પછીનું નિશાન ભારત?

માત્ર એક જ માસમાં ૧૫ ગણા કેસ વધવાનો ખતરો

Wednesday 25th March 2020 05:21 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામે લડવાની ભારતની તૈયારી દુનિયા અને એશિયાના દેશોની સરખામણીમાં ઓછી હોવાની ચેતવણી આપતા દેશના એક ટોચના આરોગ્ય નિષ્ણાતે ભય વ્યક્ત કર્યો છે કે કોરોના વાઇરસનું હવે પછીનું નિશાન ભારત બની શકે છે. ચીન, ઇટાલી અને ઇરાન પછી ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ઝડપથી પ્રસરી શકે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ સેન્ટર (ICMR)ના એડવાન્સ્ડ રિસર્ચ ઇન વાયરોલોજી સેન્ટરના પૂર્વ ચેરમેન ડોક્ટર ટી. જેકબ જ્હોને જણાવ્યું હતું કે ભારતનું હવામાન અને વસતી વાઇરસનો ઝડપી પ્રસાર કરવા માટે પર્યાપ્ત છે. લોકો સારવાર અને એકાંતવાસથી નાસી રહ્યા છે. અત્યારે તો કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધીમો વધારો થઇ રહ્યો છે, પરંતુ ૧૫ એપ્રિલ સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ૧૫ ગણો વધારો થઇ શકે છે.

ભારત અમેરિકા જેવી ભૂલ કરી રહ્યું છે

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં ટેસ્ટ ઓછા થતા હોવાથી કોરોનાના કેસ ઓછા સામે આવી રહ્યા છે. ભારતમાં ફક્ત એ લોકોના ટેસ્ટ કરાય છે જેઓ વિદેશમાંથી પરત આવી રહ્યા છે. રિસર્ચર ડોક્ટર અમેશ અડાલજાએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના મામલે અમેરિકાએ કરેલી ભૂલમાંથી ભારત બોધપાઠ લઇ શકે છે. અમેરિકાએ પણ કોરોના વાઇરસનો ટેસ્ટ ફક્ત વિદેશથી આવતા લોકો પૂરતો મર્યાદિત જ રાખ્યો હતો. જો અમેરિકાએ મોટા પાયે ટેસ્ટ કર્યા હોત તો આ નોબત ન આવી હોત.
ઇટાલી, સ્પેન, ઇરાન અને અમેરિકા સમયની સાથે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને પારખી ન શક્યા તેની કિંમત આજે ચૂકવી રહ્યા છે. જે દેશોમાં ટેસ્ટનો દર ઊંચો છે ત્યાં મોતનું પ્રમાણ ઓછું રહ્યું છે. સાઉથ કોરિયામાં ૧૦ લાખ લોકો પર ૩૬૯૨ના ટેસ્ટ કરાયા તેથી ત્યાં મૃત્યુદર ફક્ત ૦.૬ ટકા રહ્યો જ્યારે ઇટાલીમાં ૧૦ લાખ લોકો પર ફક્ત ૮૨૬ ટેસ્ટ કરાયા તેથી ત્યાં મૃત્યુદર ૧૦ ગણો વધારે રહ્યો છે.

રેન્ડમ સેમ્પલ ટેસ્ટ દ્વારા ચકાસણી

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ સેન્ટર ફ્લૂ જેવી બીમારીનાં લક્ષણોમાં રેન્ડમ સેમ્પલ લઇને ચકાસી રહ્યું છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે કે નહીં. કોરોના વાઇરસના પરીક્ષણ માટે ફક્ત ૧૦૨૦ના રેન્ડમ સેમ્પલ લેવાયાં હતાં, જેમાંથી ૫૦૦ સેમ્પલના રિઝલ્ટ નેગેટિવ આવ્યાં. આઇસીએમઆરએ દાવો કર્યો છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું નથી.

૧૩૦ કરોડની વસતી, ફક્ત બાવન ટેસ્ટિંગ લેબ

ભારતમાં કોરોના વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય તો દેશમાં ટેસ્ટિંગ માટેની સુવિધા પર નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા છે. સરકારે ૧૩૦ કરોડની વસતી માટે ફક્ત બાવન લેબોરેટરીમાં ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. આ બાવન લેબની રોજની ૧૦૦૦ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. સરકારે જર્મનીથી ૧૦ લાખ કિટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.

તો શું આરોગ્ય તંત્ર સામનો કરવા સજ્જ છે?

ભારતમાં ૧૩૦ કરોડની વસતી માટે આરોગ્ય સુવિધાઓ દેશમાં કોરોના વાઇરસ બેકાબૂ બને તો ભયજનક સ્થિતિ સર્જાય તેવા સંકેતો આપે છે. ભારતમાં દર ૧૦,૦૦૦ લોકોએ હોસ્પિટલોમાં ફક્ત ૭ બેડ ઉપલબ્ધ છે. વૈશ્વિક સ્તરે દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ૨૭ બેડ છે. રશિયામાં ૯૮, ચીનમાં ૩૮ અને બ્રાઝિલમાં ૧૮ બેડ છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં તો હાલત તેનાથી પણ ખરાબ છે. ભારતમાં ૭૦ ટકા આરોગ્ય સુવિધાઓ શહેરી વિસ્તારોમાં જ છે. ગ્રામીણ ભારતમાં હોસ્પિટલોમાં દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ફક્ત પાંચ બેડ ઉપલબ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter