કોરોનાને હરાવવામાં ભારત વિશ્વમાં ટોચે

Wednesday 23rd September 2020 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોનાના વધતાં કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા ક્રમે છે જ્યારે કોરોના રિકવરી કેસમાં ભારત વિશ્વમાં પ્રથમ હોવાના અહેવાલ ૧૯મીએ હતા. મંગળવારના અહેવાલો અનુસાર ભારતમાં કેસની કુલ સંખ્યા ૫૬૧૭૬૯૯ અને કુલ મૃતકાંક ૮૯૫૭૯ નોંધાયો હતો.
કુલ રિકવર થનારાઓની સંખ્યા ભારતમાં ૪૫૫૧૦૮૬ નોંધાઈ હતી. મંગળવારના જ અહેવાલો પ્રમાણે અમેરિકામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ૪૩૧૨૭૬૧ નોંધાઈ હતી અને કુલ કેસની સંખ્યા ૭૦૫૮૪૩૦ નોંધાઈ હતી. અમેરિકામાં કોરોનાનો કુલ મૃતકાંક ૨૦૪૮૮૧ નોંધાયો છે. સોમવારના અહેવાલો પ્રમાણે સતત ત્રીજા દિવસે પણ ભારતમાં ૯૦ હજારથી વધુ દર્દીઓ કોરોના મુક્ત થયાં હતાં.
આંકડા સંતાડવા સંશોધકો પર દબાણ?
કોરોના સામેના જંગમાં સરકાર સાચી સ્થિતિ સંતાડતી હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સંસ્થા આઇસીએમઆર દ્વારા મે મહિનામાં દેશના ૭૦ જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો. તેના પરિણામ સપ્ટેમ્બરના પ્રારંભે જાહેર કરાયાં હતાં. સર્વેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, દેશના ૭૦ જિલ્લામાંથી લેવાયેલાં ૨૮૦૦૦ સેમ્પલમાંથી ફક્ત ૦.૭૩ ટકા સેમ્પલમાં કોરોનાના એન્ટિબોડી જોવા મળ્યાં હતાં, પરંતુ હવે પ્રાપ્ત થઇ રહેલા અહેવાલો અનુસાર આઇસીએમઆરના સિરો સર્વેના અંતિમ પરિણામો જાહેર કરતાં પહેલાં આઇસીએમઆરના માંધાતાઓએ દેશમાં કોરોનાના પ્રસારની વિગતો જણાવતા પહેલા સર્વેમાંથી મહત્ત્વના હિસ્સા કાઢી નાંખવાની સૂચના સંશોધકોને આપી હતી. સૂચના પ્રમાણે દેશના ૧૦ હોટસ્પોટ શહેરોના કન્ટેનમેન્ટ ઝોનમાંથી લેવાયેલો ડેટા કાઢી નાખવામાં આવ્યો હતો.
નીતિન ગડકરી કોરોના પોઝિટિવ
દેશમાં કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી કોરોના પોઝિટિવ થયા પછી તેમની તબિયત લથડી હોવાના સમાચાર છે. તેઓ તેમના નિવાસસ્થાને જ આઈસોલેટ થઈ સારવાર લઈ રહ્યા છે. તેમણે ટ્વિટર પર કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, રાજસ્થાનના માજી રાજ્યપાલ કલ્યાણસિંહને લખનૌ હોસ્પિટલમાં રજા આપ્યા બાદ ગાઝિયાબાદ એર એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. કોરોના પોઝિટિવ કલ્યાણસિંહને ફેફસામાં ન્યૂમોનિયા સહિતની તકલીફોનું નિદાન થયું છે.
મુસ્લિમોએ ડો. ગુપ્તાને કાંધ આપી
ફિરોઝાબાદમાં કોરોના દર્દીઓની સારવાર કરતા અને ગરીબોની મફત સારવાર કરતા ડોક્ટર વિનોદ ગુપ્તાનું નિધન થતાં હજારો લોકો તેમની અંતિમ વિધિમાં જોડાયા હતા. એટલું જ નહીં ગુપ્તાના મૃતદેહને મુસ્લિમ બિરાદરોએ ‘રામ નામ સત્ય હૈ’ પોકારીને કાંધ આપી હતી અને અંતિમ વિદાય આપવા સ્મશાન સુધી ગયા હતા.
દિલ્હીમાં શાળાઓ ૫ ઓક્ટોબર સુધી બંધ રહેશે
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ દિલ્હી સરકારે તમામ શાળાઓ ૫ ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલતા રહેશે. કેન્દ્ર સરકારે ૧૨મીથી દેશભરમાં ધોરણ ૯થી ૧૨ની શાળા શરૂ કરવા માટે મંજૂરી આપી હતી, પરંતુ કોરોનાને કારણે ઘણા રાજ્યો ગભરાતા હતા. આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યો શાળા શરૂ કરી રહ્યાં છે પરંતુ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાતમાં સરકારે શાળા શરૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે. હવે તેમાં દિલ્હી પણ સામેલ થઈ ગયું છે.
પીપીઇ કિટ પહેરી કુટુંબી દર્દીને મળશે
રાજસ્થાનમાં કોરોના પીડિત હજારો દર્દીઓ માટે અશોક ગેહલોત સરકારે જાહેરાત કરી છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓને કુટુંબીજનો પીપીઈ કિટ પહેરીને હોસ્પિટલમાં મળી શકશે. આ સાથે જ દર્દીને ઘરના ભોજનને પણ મંજૂરી આપી છે. કોરોના પીડિત દર્દીમાં એકાકીપણું અને તણાવ ઊભો થતો હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter