કોર્પોરેટ સેક્ટર્સમાંથી ભાજપને સૌથી વધુ રૂ. ૭૦૫ કરોડનું ફંડઃ કોંગ્રેસને રૂ. ૧૯૮ કરોડ

Friday 18th August 2017 07:33 EDT
 

નવી દિલ્હીઃ વ્યાવસાયિક ગૃહોએ રાષ્ટ્રીય પક્ષોને છેલ્લા ચાર વર્ષમાં ૯૫૬.૭૭ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. પક્ષોને ૨૦૧૨-૧૩થી ૨૦૧૫-૧૬ના ગાળામાં જાણીતા સ્રોત તરફથી મળેલા કુલ ડોનેશન પૈકી ૮૯ ટકા રકમ આ કોર્પોરેટ્સ તરફથી મળી છે. ભાજપને સૌથી વધુ રૂ. ૭૦૫.૮૧ કરોડનું ડોનેશન મળ્યું છે. રાજકીય પક્ષોએ તેમને મળેલા ડોનેશન અંગે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી વિગતોને ટાંકીને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રિપોર્ટ જાહેર કર્યો છે જેના આ આંકડા છે. આંકડા મુજબ ભાજપને ૨૯૮૭ કોર્પોરેટ દાતાઓ તરફથી ૭૦૫.૮૧ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. કોંગ્રેસને ૧૬૭ કોર્પોરેટ્સ તરફથી ૧૯૮.૧૬ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. એનસીપીને ૫૦.૭૩ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. સીપીએમને ૧.૮૯ કરોડ રૂપિયાનું, જ્યારે સીપીઆઈને ૧૮ લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.

એડીઆરના રિપોર્ટ મુજબ ચાર વર્ષના આ ગાળામાં પાંચ રાષ્ટ્રીય પક્ષોને કુલ ૧૦૭૦.૬૮ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે, જે દરેક ડોનેશન ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમનું હતું. આ પૈકી સરેરાશ ૮૯ ટકા રકમ એટલે કે ૯૫૬.૭૭ કરોડ રૂપિયા કોર્પોરેટ્સ કે બિઝનેસ જૂથ તરફથી મળ્યું છે. આ ચાર વર્ષના ગાળામાં ભાજપને કોર્પોરેટ્સ કે બિઝનેસ સમૂહો તરફથી ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમનું ૯૨ ટકા ડોનેશન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને આવું ૮૫ ટકા ડોનેશન મળ્યું છે.

એડીઆરના અગાઉના અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૪-૦૫થી ૨૦૧૧-૧૨ના આઠ વર્ષના ગાળામાં રાષ્ટ્રીય પક્ષોને બિઝનેસ સમૂહો તરફથી કુલ ૩૭૮.૮૯ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું, જે કુલ તેમને જાણીતા સ્રોત દ્વારા મળેલા ડોનેશનના ૮૭ ટકા રકમ હતી. ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો માટે ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમના વ્યક્તિગત ડોનેશનની વિગત દર વર્ષે તેની સમક્ષ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter