નવી દિલ્હી: કોલકતાના હાઈ કોર્ટ જસ્ટિસ સી. એ. કર્ણનને સુપ્રીમ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તેમને કોર્ટ દ્વારા છ મહિના જેલની સજા ફરમાવાઇ છે. આ સજા સુપ્રીમ કોર્ટના સાત જજની પેનલ દ્વારા સંભળાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજીપીને જસ્ટિસ કર્ણનની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત કોઈ સિટીંગ જજ સામે આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં સોમવારે સાંજે કર્ણને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જે. એસ. ખેહર અને સુપ્રીમ કોર્ટના જ સાત જજને પાંચ-પાંચ વર્ષની સજા આપી હતી.
અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની સાથોસાથ જસ્ટિસ કર્ણનના નિવેદનોને મીડિયામાં પબ્લિશ કરવા સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ કર્ણન પાસેથી એડ્મિનિસ્ટ્રેટીવ અને જ્યુડિશિયલ પાવર અગાઉ જ પરત લઈ ચૂકી છે. આ પછી તેમની સામે અદાલતની અવગણનાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
કર્ણને સોમવારે સાંજે કોલકતામાં તેમના ઘરે યોજેલી કોર્ટમાં ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર અને સુપ્રીમ કોર્ટના જ સાત જજ સામે ઓર્ડર રજૂ કર્યો હતો. તેમણે ચીફ જસ્ટિસ અને જજને એસસી-એસટી એક્ટ અંતર્ગત દોષિત જાહેર કર્યા. તેમના પર રૂ. એક લાખનો દંડ પણ લગાવ્યો હતો. જો દંડ ન ભરે તો અન્ય છ મહિનાની સજાનો પણ આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કર્ણનની માનસિક સ્થિતિની તપાસનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમની માનસિક સ્થિતિ એકદમ સારી છે તેવું કહીને તેમણે આ તપાસ કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
કર્ણને ચીફ જસ્ટિસને સજા ફરમાવી
કોલકતા હાઇ કોર્ટના જસ્ટિસ કર્ણને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જે. એસ. ખેહર, જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ જે. ચલ્મેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી. લોકુર, જસ્ટિસ પિનાકી ચંદ્રા ઘોષ અને જસ્ટિસ કુરિયને આ સજા સંભળાવી હતી. આ લોકો સિવાય જસ્ટિસ આર. ભાનુમતિને અલગથી સજા સંભળાવવામાં આવી હતી. કર્ણને તેમના ઓર્ડરમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આઠ જજોએ જાતિવાદ પર ભેદભાવ કર્યા છે. તેથી તેમને એસસી-એસટી એક્ટ અંતર્ગત દોષિત જાહેર કરીને સજા આપવામાં આવી છે. દરેક જજોએ સજાની સાથે રૂ. એક લાખ દંડ પણ ભરવો પડશે.
દલિત કાર્ડ પણ રમી ચૂક્યા છે કર્ણન
કર્ણન સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને એ આરોપ પણ લગાવી ચૂક્યા છે કે તેઓ દલિત હોવાના કારણે તેમના પર આ એક્શન લેવામાં આવી રહ્યા છે. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટની આ નોટિસ સ્પષ્ટ દર્શાવે છે કે, ઉચ્ચ જ્ઞાતિના જજ કાયદો તેમના હાથમાં લઈ રહ્યા છે અને તેમના જ્યુડિશિયલ પાવરનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.