કોલકાતાઃ દક્ષિણી કોલકાતાના તારતલા વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે માજેરહાટ ફ્લાયઓવરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. મંગળવારે બપોરે માજેરહાટ ફ્લાયઓવરનો એક ભાગ પડી ગયો હતો. આ દુર્ઘટનામાં બે જણાના મોત થયાના અહેવાલ છે. જોકે અનેક લોકો કાટમાળમાં દબાયાં હોવાની આશંકા છે. આ ઉપરાંત અનેક વાહનો પણ ફ્લાયઓવરના કાટમાળમાં ફસાયા છે. સેના અને એનડીઆરએફની ત્રણ ટીમોના રાહત કાર્ય દ્વારા મંગળવારે દસેકથી વધુને બહાર કઢાયા હતાં અને તમામની હાલત ગંભીર હતી.
૬૦ વર્ષ જૂનો
લગભગ ૬૦ વર્ષ જૂનો આ ફ્લાયઓવર દક્ષિણ કોલકાતાના બેહાલા અને ઈકબાલુપરને જોડતો હતો. અનેક દિવસથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે અનેક ગાડીઓ ફ્લાયઓવર પર હતી.
પોલીસ પાસે રિપોર્ટ મંગાયો
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ઘટના સમયે દાર્જિલિંગમાં હતા. તેઓએ કહ્યું કે દુર્ઘટનાની ગંભીરતા પર નજર રાખવામાં આવી રહી છે. કટોકટી પ્રબંધન વિભાગની સાથે બેઠક કરવામાં આવી છે. સાથે જ પોલીસ પાસેથી દુર્ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે.