કોલકાતામાં નિર્માણાધીન ફ્લાયઓવર તૂટતાં ૨૧નાં મોત

Friday 01st April 2016 03:53 EDT
 
 

કોલકાતા: અત્યંત ગીચ વસતી અને અવરજવર ધરાવતા કોલકાતાના ગણેશ ટોકીઝ વિસ્તારમાં બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડતાં ૨૧ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બુરાબાઝાર તરીકે ઓળખાતો આ વિસ્તાર અહીંયાનો સૌથી ગીચ વિસ્તાર છે. અહીં સૌથી મોટું હોલસેલ બજાર હોવાથી પુષ્કળ ભીડ રહે છે. ફ્લાયઓવર નીચે અનેક વાહનો અને લારીવાળા આવતા-જતા હોવાથી તથા દુકાનો હોવાથી પુષ્કળ ભીડ હોય છે. આ વિસ્તારમાં ફ્લાયઓવર તૂટી પડતાં ૨૧ લોકોનાં મોત થયાં છે. હાલમાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. મોતનો આકંડો વધે તેવી પૂરતી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

બચાવકાર્ય કરનાર ફાયર વિભાગ અને અન્ય લોકોએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૭૫થી વધુ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયાં છે. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોનાં સ્વજનો માટે પાંચ લાખની જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં લોકો માટે રૂ. બે લાખની અને સામાન્ય ઈજા થઈ હોય તેવા માટે એક લાખની સહાય જાહેર કરી હતી.

બાંધકામ ૨૦૦૯થી ચાલુ

કોલકાતામાં બની રહેલો આ ફ્લાયઓવર ઘણા સમયથી વિવાદમાં છે. ૨૦૦૯માં આ ફ્લાયઓવર બાંધવાનું કામ શરૂ કરાયું હતું. ઘણી વખત આ ફ્લાયઓવરને પૂરો કરવા માટેની સમયમર્યાદા વધારાઈ છે. તત્કાલીન ડાબેરી સરકારે આ બે કિલોમીટરના ફ્લાયઓવરને મંજૂરી આપી હતી, જે તે સમયે સરકાર દ્વારા આ ફ્લાયઓવર માટે રૂ. ૧૬૪ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. સૂત્રોના મતે અત્યાર સુધીમાં રૂ. ૨૫૦ કરોડથી વધુનો ખર્ચ થઈ ગયો છે, તે ઉપરાંત ફ્લાયઓવર પડવાની ઘટના બનતાંની સાથે જ કોલકાતા ખાતેથી કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા.

ઓએમજી : આ ઘટના એક્ટ ઓફ ગોડ!

આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ હતી કે, ફ્લાયઓવર બનાવનારી કંપની આઈવીઆરએલ કન્સ્ટ્રક્શન કંપનીના પાંડુરંગા રાવે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના 'એક્ટ ઓફ ગોડ' છે. તેમણે જણાવ્યું કે, અમે ૬૫ ટકા કામ પૂરું કરી લીધું હતું. અમને પોતાને આઘાત લાગ્યો છે કે આવી દુર્ઘટના બની. પહેલાં ક્યારેય અમારા પ્રોજેક્ટમાં આવું થયું નથી, આ માત્ર એક્ટ ઓફ ગોડ છે.

રાજકીય રોટલા શેકાયા

ફ્લાયઓવર પડવાના સમાચાર વહેતા થતાં જ મુખ્ય પ્રધાન મમતા બેનરજી ચૂંટણીપ્રચાર માટેની રેલી છોડીને કોલકાતા આવી પહોંચ્યાં હતાં. બીજી તરફ ગૃહમંત્રાલયે ઘટના અંગે તાકીદે અહેવાલ માગ્યો હતો. ભાજપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે, આ ઘટના માટે સરકાર જ જવાબદાર ગણાય. આ કામ સાથે સંકળાયેલા પ્રધાનો અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાવાં જોઈએ. ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આપણી પહેલી પ્રાથમિકતા પીડિતોને મદદ પહોંચાડવાની છે ત્યારબાદ તેની સાથે સંકળાયેલા દોષિતોની સામે કામગીરી કરવા અંગે વિચારવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter