કોવિડ નિયંત્રણો વચ્ચે 2021માં 15.24 લાખ વિદેશીઓ ભારત પહોંચ્યા

Saturday 26th November 2022 05:19 EST
 
 

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે લાગુ કરાયેલા વિવિધ નિયંત્રણો વચ્ચે પાછલા વર્ષે એટલે કે 2021માં 15.24 લાખ વિદેશી પ્રવાસીઓએ ભારત યાત્રા કરી હતી. વિદેશી પ્રવાસીઓમાં ટોચ પર અમેરિકન્સ હતા, જેમની સંખ્યા 4.29 લાખ નોંધાઈ હતી. જ્યારે બીજા ક્રમે બાંગ્લાદેશી નાગરિકો હતા તેમની સંખ્યા 2.4 લાખ નોંધાઈ હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે 2021માં ભારતમાં આવેલા કુલ વિદેશીઓમાંથી 74.39 ટકા લોકો 10 દેશમાંથી હતાં જ્યારે અન્ય 25.61 ટકા પ્રવાસીઓ વિશ્વના અન્ય દેશોના નાગરિકો હતાં. ચોક્કસ આંકડાની વાત કરીએ તો પહેલી ડિસેમ્બર 2021થી 31 ડિસેમ્બર 2021 વચ્ચે કુલ 15,24,469 વિદેશી ભારત આવ્યા હતા.
સૌથી વધુ અમેરિકાના
ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર આ ગાળામાં અમેરિકામાંથી 4,29,860 લોકો ભારત આવ્યા હતા. તેના પછી બાંગ્લાદેશમાંથી 4,29,554 લોકો, બ્રિટનમાંથી 1,64,143, કેનેડાથી 80,437 અને નેપાળથી 52,544 લોકો ભારત યાત્રા પર આવ્યા હતા. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાંથી 36541 લોકો, ઓસ્ટ્રેલિયાથી 33864 પ્રવાસીઓ, જર્મનીથી 33,772 લોકો, પોર્ટુગલથી 32,064 લોકો અને ફ્રાન્સના 30,374 લોકએ ભારતનો પ્રવાસ કર્યો હતો.
વિમાન સેવામાં અવરોધ સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ ફેલાયો હતો ત્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ભારતે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરી નાંખી હતી. પહેલાં 25 માર્ચથી 21 એપ્રિલ 2020 સુધી હવાઈ પ્રવાસ બંધ હતો પછી તેની અવધિ ત્રણ વાર લંબાવાઇ હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો 31 મે સુધી બંધ હતી. સરકારે આમ તો જૂન 2020થી હવાઈ સેવા કાર્યરત કરવાની જાહેરાત કરી હતી છતાં 2021ની શરૂઆત સુધી નિયંત્રણો હતા.
એર બબલ વ્યવસ્થા હેઠળ પ્રવાસ
25 માર્ચ 2020થી 27 માર્ચ 2022 દરમિયાન બે વર્ષમાં ભારતથી તમામ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટેની ફ્લાઇટ્સ સસ્પેન્ડેડ હતી. આ સમયમાં તમામ ઇન્ટરનેશનલ ફલાઈટ્સ એર બબલ એરેન્જમેન્ટ હેઠળ જ ઓપરેટ થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter