કૌન બનેગા મુખ્યમંત્રી? કેરળ કોંગ્રેસમાં ચાલી રહ્યાો છે ‘ગેમ શો’

Thursday 14th May 2026 06:23 EDT
 
 

તિરુવનંતપુરમઃ કેરળ વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને એક સપ્તાહ કરતાં સમય વીતી ગયો છે, પરંતુ સ્પષ્ટ બહુમતી સાથેનો જનાદેશ મેળવનાર કોંગ્રેસ પક્ષનું મોવડીમંડળ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નક્કી કરી શક્યું નથી. મંગળવાર - 12 મેના રોજ આ લખાઇ રહ્યું છે ત્યારે પણ કેરળના આગામી મુખ્યમંત્રીને લઈને હજુ પણ સસ્પેન્સની સ્થિતિ છે.
નવી દિલ્હીમાં પક્ષના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠકો બાદ કે.સી. વેણુગોપાલ અને વી.ડી. સતીશનના સમર્થનમાં લોબિંગ વધુ તેજ થઈ ગયું છે. વેણુગોપાલ, સતીશન અને રમેશ ચેન્નિથલા મુખ્યમંત્રીપદ માટેના ત્રણ મુખ્ય દાવેદાર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને એ.કે. એન્ટની મુખ્યમંત્રીની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય પૂર્વે યુનાઈટેડ ડેમોક્રેટિક ફંટ (યુડીએફ)ના સાથી પક્ષો સાથે પણ ચર્ચા થઈ શકે છે. વેણુગોપાલ કેમ્પનું માનવું છે કે તેમની તરફેણમાં બહુમતીની ભાવનાને હાઈ કમાન્ડ મહત્વ આપી શકે છે.
દસ વર્ષ બાદ કોંગ્રેસનું પુનરાગમન
કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો રાજ્યમાં સત્તા પરિવર્તન લઈને આવ્યા છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ પ્રચંડ બહુમતી મેળવી છે જ્યારે દસ વર્ષથી સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને મોટો ફટકો પડયો છે. કોંગ્રેસ ગઠબંધને કેરળમાં પૂરા 10 વર્ષ બાદ ફરી સત્તાવાપસી કરી છે. આ સાથે જ 49 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે દેશના એકપણ રાજ્યમાં ડાબેરી સરકાર રહી નથી. ડાબેરીઓને સૌપ્રથમ 1957માં કેરળમાં જ નંબૂદરીપાદે સત્તા અપાવી હતી અને 2026માં કેરળમાં જ ડાબેરી શાસનનો અંત આવ્યો છે. રાજ્યની 140 બેઠકોમાંથી યુડીએફ 102 બેઠકો જીતી છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનના નેતૃત્વ હેઠળની એલડીએફ સરકાર વિરુદ્ધ ભારે એન્ટિ-ઈનકમ્બન્સી (સત્તા વિરોધી લહેર) જોવા મળી હતી. નિષ્ણાતોના મતે કેરળની ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી અને વહીવટીતંત્ર સામેના ભ્રષ્ટાચારના આરોપો યુડીએફ માટે ફાયદાકારક સાબિત થયા છે. જોકે જંગી બહુમતી છતાં કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના મામલે ભારે ખેંચતાણ ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter