કૌભાંડી પાસેથી જેકલીન - નોરાએ મેળવી છે કિંમતી ભેટસોગાદ

Friday 24th December 2021 11:35 EST
 
 

કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં રજૂ થયેલા ચાર્જશીટમાં અનેક વાતોનો પર્દાફાશ થયો છે. જેકલીન ભલે સુકેશ સાથે સંબંધ હોવાનો ઇન્કાર કરતી હોય પરંતુ તેણે અને નોરા ફતેહીએ આરોપી પાસેથી કરોડો રૂપિયાની મોંઘેરી ભેટો સ્વીકાર્યાનું ચાર્જશીટમાં જણાવાયું છે. આ કૌભાંડ પતિ-પત્નીએ સાથે મળીને આચર્યું હોવાનું ઇડીનું કહેવું છે. દિલ્હી કોર્ટમાં રજૂ થયેલી ચાર્જશીટમાં સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા પોલ તેમજ અન્ય છ આરોપીના નામ જણાવાયા છે. જેક્લીન અને નોરાએ ઇડીની પૂછપરછમાં સુકેશ પાસેથી મળેલી ભેટસોગાદોની તમામ વિગતો આપી છે. ચંદ્રશેખર અને તેની પત્નીએ ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દર મોહન અને તેમની પત્ની સાથે પણ ઠગાઈ કરી છે. એટલું જ નહીં તે દિલ્હી જેલમાં બંધ હતો ત્યારે ગેરકાયદે મેળવેલા ફોન વડે સરકારી અધિકારી બનીને ખંડણી પણ ઉઘરાવતો હતો. તે એવી ટેકનોલોજી વાપરતો હતો કે જે વ્યક્તિને કોલ કરે તેના મોબાઇલ સ્ક્રીનમાં સરકારના વરિષ્ઠ અધિકારીનો જ નંબર દેખાય. આમ સુકેશે ગૃહ પ્રધાન અમિત શાહની ઓફિસના નંબર ઉપરથી ફોન કરીને જેકલીન ફર્નાન્ડીઝ સાથે ઓળખાણ કરીને સંબંધો કેળવ્યા હતા. જ્યારે સુકેશની પત્ની લીનાએ ચેન્નઈમાં યોજાયેલા એક ધર્માદા કાર્યક્રમમાં નોરા ફતેહી સાથે પરિચય કેળવ્યો હતો. નોરા ફતેહીએ જણાવ્યું કે સુકેશ ચંદ્રશેખરે તેને બીએમડબ્લ્યુ સેડાન ભેટ આપી હતી. તેની પત્ની લીનાએ ગુસ્સીની બેગ અને આઈફોન ભેટ આપ્યાં હતાં.
ઇડી સમક્ષ બે વખત હાજર થયેલી જેકલીને કબૂલ્યું છે કે સુકેશે તેને ૧.૫ લાખ ડોલરની લોન આપી છે. આ ઉપરાંત રૂ. ૫૨ લાખનો ઘોડો, ૯ લાખ રૂપિયાની પર્શિયન બિલાડી, મલ્ટિસ્ટોન ઈયરરિંગ્સ અને બ્રેસલેટ ભેટ આપ્યાં છે. આ ઉપરાંત એક મિનિ કૂપર કાર પણ ભેટ આપી હતી, જે તેણે પરત આપી દીધી હતી. બીજી તરફ, સુકેશે બચાવમાં કહ્યું કે તે આ અભિનેત્રીઓનો જબરજસ્ત ફેન છે અને ઇચ્છતો હતો કે બંને સન ટીવીની દક્ષિણની ફિલ્મમાં કામ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter