કૌભાંડી રેડ્ડીની પુત્રીનાં રૂ. ૫૦૦ કરોડના લગ્ન સામે હોબાળો

Thursday 17th November 2016 10:22 EST
 
 

બેંગલુરુઃ એક તરફ દેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ બદલાવવા કે એટીએમમાંથી રૂ. ૨૫૦૦ જેટલી રકમ ઉપાડવા દેશના કરોડો નાગરિકો પોતાના છતે પૈસે ભિક્ષુકોની જેમ અઠવાડિયાથી લાઇનમાં ઉભા રહેતા જોઈ શકાય છે ત્યારે તેઓની હતાશા, લાચારીની જાણે ક્રૂર મજાક ઉડાવાતી હોય તેમ કર્ણાટક ભાજપના રાજકારણી ગલી જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્નમાં અધધ રૂ. ૫૦૦ કરોડનો બેરોકટોક ધુમાડો થઇ રહ્યો છે.

દેશના નાગરિકોનો ૧૬મી નવેમ્બરે સોશિયલ મીડિયા પર એવો રોષ ભભૂકયો હતો કે મોદી સરકાર અને તમામ એજન્સીઓની નજર સામે જ વટ કે સાથે આ નાણાનો વ્યય થાય છે અને એક અભણ વ્યકિત પણ સમજી શકે કે આ હદે નાણાની અધધધ રેલમછેલ બેનંબરી નાણાની આવક હોય તો જ શક્ય બને છતાં આવકવેરા તરફથી કોઇ દરોડા પાડવાનો આદેશ નથી અપાયો.

ભારતના મોટાભાગના મીડિયામાં રેડ્ડીની પુત્રીના લગ્નમાં કઇ હદે કોમનમેન લઘુતાગ્રંથિથી પીડાવા માંડે તે અહેવાલ સચિત્ર રજૂ થયો અને સોશિયલ નેટવર્કમાં કેન્દ્ર સરકાર અને રેડ્ડી પર નાગરિકોએ રડમસ બની પસ્તાળ પાડી તે પછી કેન્દ્ર સરકારના કહેવાથી કે પછી ખબર નહીં આવકવેરા વિભાગે પોતાની રીતે જ લગ્નના સ્થળે ઇન્કમટેક્ષના અધિકારીઓને આ તમાશો જોવા અને ભપકાની વિગતોના સાક્ષી બનવા મોકલ્યા હતા. જોકે સ્વાભાવિક છે કે રેડ્ડીએ બધું જ બેનંબરી ગોઠવી કાઢયું હોઈ કંઇ નક્કર પગલાં નથી લઇ શકાયા. રેડ્ડી કર્ણાટકના મોટા ગજાના રાજકારણી અને ખાણોના માલિક છે. કર્ણાટકની યેદુરપ્પા સરકારના તેઓ વગદાર અને વજનદાર પ્રધાન હતા. રેડ્ડી અબજોની સંપત્તિ ધરાવે છે અને ખાણ કૌભાંડમાં દોષિત ઠરીને ત્રણ વર્ષ જેલમાં જઇ આવ્યા છે અને હાલ જામીન પર છે.

વિરોધ પક્ષો એવી ચર્ચા કરે છે કે ભાજપને કર્ણાટકમાં પગપેસારો કરવો હોઇ યેદુરપ્પા અને રેડ્ડી કૌભાંડી હોવા છતાં તેમને પંપાળવા પડે છે. યેદુરપ્પા પણ દોષમુક્ત જાહેર થયા છે.

રેડ્ડીના પરિવારજનોએ અબજો રૂપિયાના લગ્નના હોબાળા બાદ એવી કોમેન્ટ કરી છે કે અમારા આ લગ્નમાં રૂ. ૩૦ કરોડનો જ ખર્ચ થવાનો છે. જેની તમામ વિગતો અમે આવકવેરાને બતાવીશું. અમારા તમામ પેમેન્ટ વડા પ્રધાને કરંસી બાન મૂક્યો તે પહેલાંના થયા છે. વિરોધ પક્ષોના નેતાઓએ આવા નાણાનો દેખાડો કરતા વિવાદિત લગ્ન સમારંભમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો.

દેશના નાગરિકોને રૂ. પાંચ લાખ જમા કરાવશે તો આટલી પેનલ્ટી અને આટલી સ્ક્રુટિનીની ધમકી આપવામાં આવે છે જ્યારે કરોડોપતિઓની ઐયાશી જારી જ છે.

રેડ્ડીએ તેની પુત્રના લગ્નની કંકોત્રી મોટા બોક્સમાં એલસીડી સ્ક્રીનમાં મોકલી હતી. બેંગ્લોરના પેલેસ ગ્રાઉન્ડમાં યોજાનાર લગ્નમાં ૫૦૦૦૦ને આમંત્રણ અપાયું હતું. જેમાં દેશના 'વ્હુસ વ્હુ' તેમજ ફિલ્મી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. હેલિયમ બલૂન્સ, રેડ્ડી પરિવારની જાયન્ટ સ્ક્રીન પર ઈમેજ અને અલ્ટીમેટ ફાઇવ સ્ટાર હોટલ જાણે ગ્રાઉન્ડને મિની પેલેસ બનાવીને ખડી કરાઇ છે.

બોલિવૂડના આર્ટ ડિરેક્ટર્સની ટીમને આમંત્રી હામ્પીનું જગવિખ્યાત વિઠ્ઠલ મંદિર, ચેન્નાઇનું કોઉલ બજાર અને દક્ષિણ ભારતના યાદગાર સ્થળોના સેટ વિલેજમાં ખડા કરાયા છે. આ પ્રસંગે વીવીઆઇપીઓની સુરક્ષા માટે ૩૦૦૦૦ બાઉન્સર પણ ખડા કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter