નવી દિલ્હી: ભારતના નાણામંત્રીએ ક્રિપ્ટોકરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે. એક અંદાજ પ્રમાણે ભારતીય રોકાણકારોએ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા 45000 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાદવાનો અર્થ એ નથી કે તેને કાયદેસરની માન્યતા આપી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્ક ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાનો વિરોધ કરી રહી છે.
ક્રિપ્ટોકરન્સી પર કેવી રીતે કર લાગશે..
ક્રિપ્ટોકરન્સીની આવકને અન્ય કોઇ આવક તરીકે ગણાવી શકાશે નહીં તેનો અર્થ એ થયો કે ક્રિપ્ટોકરન્સીની આવક પર ટેક્સ ડિડક્શનની માગ કરી શકાશે નહીં. તે ઉપરાંત ક્રિપ્ટોકરન્સી દ્વારા કરાયેલા પેમેન્ટ પર 1 ટકા ટીડીએસ લાગશે. ક્રિપ્ટોકરન્સી ગિફ્ટ કરવા પર પણ 30 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. ગિફ્ટના મામલામાં જે તે સમયની વેલ્યૂ પર ટેક્સ ચૂકવવાનો રહેશે. આ ટેક્સ 1 એપ્રિલ 2022થી અમલી બની જશે.
શું છે સીબીડીસી..
સીબીડીસી કોઇપણ ચલણનું વર્ચ્યુઅલ અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. એટલે કે સીબીડીસી કોઇપણ દેશની મધય્સ્થ બેન્ક દ્વારા ડિજિટલ સ્વરૂપે જારી કરાયેલું ચલણ છે. તેને ફિઝિકલ ચલણ સાથએ એક્સચેન્જ કરી શકાય છે. સીબીડીસીની સરખામણી પ્રાઇવેટ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સી સાથે કરી શકાય નહીં.