નવી દિલ્હીઃ ક્રાઈમ બ્રાંચ ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમ સાથે રૂ. ૧૪૦૦ કરોડની છેતરપિંડી કરવાના આક્ષેપસર ડેરી પ્રોડક્ટ ઉત્પાદન કરતી કંપની ક્વોલિટી લિ. વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ નોંધાવ્યા પછી કેસ દાખલ થયો છે. સીબીઆઇ દિલ્હી, બુલંદશહર, સહરાનપુર, અજમેર અને પાલવાલ સહિતના આઠ સ્થાને કંપનીના સરનામે અને અન્ય આરોપીઓના નિવાસે દરોડા પાડીને તપાસ કરી રહી છે. સીબીઆઇ કેસમાં કંપનીના ડિરેક્ટર્સ સંજય ધિંગરા, સિદ્ધાંત ગુપ્તા, અરુણ શ્રીવાસ્તવ સહિત અન્ય અજાણ્યા લોકોનો ઉલ્લેખ છે.
ત્રણેય ડિરેક્ટર્સ સામે સીબીઆઇએ છેતરપિંડી, ગુનાઇત ષડયંત્ર અને ભ્રષ્ટાચારના આક્ષેપ મૂક્યા છે. કંપનીને ધિરાણ આપવા વર્ષ ૨૦૧૨માં બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં કોન્સોર્ટિયમની રચના થઇ હતી.
ફરિયાદમાં બેંકોએ જણાવ્યું છે કે, કંપનીએ બેંક ભંડોળ ડાયવર્ઝન, ગેરરીતિભર્યા વ્યવહારો અને ઉપજાવી કાઢેલા દસ્તાવેજો, ખોટા હિસાબી ચોપડા તેમજ દેવા અને અસ્કામતોની ખોટી વિગતો પૂરી પાડીને છેતરપિંડી કરી છે.