ખાલીસ્તાની અમૃતપાલ સિંહના સમર્થકોનો અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો

Wednesday 01st March 2023 05:40 EST
 
 

અમૃતસર: અલગતાવાદી ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબના અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર તલવાર સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેમાં છ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અમૃતપાલ સિંહના સાગરિત લવપ્રીત તુફાનીની પોલીસે ધરપકડ કરી હોવાથી એના વિરોધમાં આ હુમલો કરાયો હતો. એટલું જ નહીં, અમૃતપાલ સિંહે પોલીસને ફરિયાદ રદ્ કરવાની ધમકી પણ આપી હતી. બાદમાં પોલીસને તુફાનીને છોડી મૂકવા ફરજ પડી હતી.
અમૃતપાલ સિંહ વારિસ પંજાબ દે નામના સંગઠનનો વડો છે. અલગતાવાદી માનસિકતા ધરાવતો અમૃતપાલ સિંહ પંજાબમાં ઠેર-ઠેર આક્રમક ભાષણો આપીને લોકોને ખાલિસ્તાન માટે ઉશ્કેરતો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. એ દરમિયાન પોલીસે વીરેન્દ્ર સિંહ નામના એક યુવાનને ધમકી આપવાના તેમ જ અપહરણના કેસમાં અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કેસ નોંધ્યો હતો. એ કેસના સંદર્ભમાં પોલીસે અમૃતપાલના એક સાગરિત લવપ્રીત તુફાનીની ધરપકડ કરી હતી.
એના વિરોધમાં અમૃતપાલ સિંહના નેતૃત્વમાં તેના સમર્થકોએ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન સામે દેખાવો કર્યા હતા. એટલું જ નહીં, તેના સમર્થકો પોલીસ સ્ટેશનના બેરિકેટ તોડીને અંદર આવી ગયા હતા અને તલવાર સહિતના હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, એમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો પોલીસ ફરિયાદ રદ્ કરવાની માગણી કરી રહ્યા છે. અમૃતપાલ સિંહે પોલીસને ધમકી આપતા કહ્યું હતું કે પોલીસ ફરિયાદ રદ્ નહીં થાય તો પંજાબમાં કંઈ પણ થઈ શકે છે અને તેના માટે સરકારી તંત્ર જવાબદાર હશે. અમૃતપાલ સિંહે દાવો કર્યો હતો કે પોલીસના જવાનો ઘાયલ થયાના અહેવાલો જૂઠા છે. પોલીસે અમારા 10-12 સમર્થકોને ઈજા પહોંચાડી છે.
પોલીસે આ ઘટનામાં આરોપીને છોડી મૂકવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. અમૃતસરના પોલીસ કમિશનર જસકરણ સિંહે કહ્યું હતું કે તુફાનીને છોડી મૂકવામાં આવશે, પરંતુ આ ઘટનાની તપાસ થશે અને એ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરાશે. જોકે, અમૃતપાલે સિંહે માગણી કરી હતી કે પોલીસ લેખિતમાં નિવેદન નહીં આપે ત્યાં સુધી એ અજનાલામાં જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter