ખૂણેખાંચરેથી...

ખૂણેખાંચરેથી...

Saturday 06th May 2023 05:19 EDT
 
 

અને મોદીએ મલયાલમ એક્ટરને
ગુજરાતીમાં પૂછ્યુંઃ કેમ છો, ભઈલા?
તાજેતરમાં કેરળના પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદી મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદનને મળ્યા હતા. ઉન્ની મુકુંદને મોદી સાથે પોતાની મુલાકાતને પોતાના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાવીને મૂકેલી પોસ્ટ વાયરલ થઇ છે. મુકુંદને તેમાં ઉલ્લેખ કર્યો છે કે, મોદીએ તેમના હાલચાલ ગુજરાતીમાં પૂછયા ત્યારે પોતે આશ્ચર્યમાં પડી ગયા હતાં.
મંચ પર મળી ગયેલા મોદીએ ‘કેમ છો ભઈલા?’ એમ કહીને હાલચાલ પૂછયા ત્યારે પોતે આંચકો પામી ગયા હતા એવો મુકુંદનનો દાવો છે. મુકુંદને લખ્યું છે કે, ‘તમને મળવું અને ગુજરાતીમાં તમારી સાથે વાત કરવી એ મારું સપનું હતું.’ વાત એમ છે કે ઉન્નીના પિતા મુકુંદન નાયર અમદાવાદમાં નોકરી કરતા હોવાથી ઉન્નીનો ઉછેર અમદાવાદમાં થયો છે. મુકુંદને ગુજરાતમાં 20 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે અને અમદાવાદની સ્કૂલમાં ભણ્યા છે.
ઉન્નીએ પોતાની પોસ્ટમાં ‘જય શ્રીકૃષ્ણ’ લખ્યું છે. ઉન્ની મુકુંદને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ મોદીને ભેટમાં આપી હતી. ભાજપ ઉન્નીને 2024ની લોકસભા ચૂંટણીમાં ત્રિશૂર બેઠક પરથી ટિકિટ આપે એવી શક્યતા છે.

જમણવાર બાદ વધેલાં ગુલાબજાંબુ માટે જામ્યો જંગ

પૂણેમાં લગ્નનો જમણવાર રંગેચંગે પૂરો થયા પછી વધેલા ગુલાબ જાંબુ મુદ્દે કેટરીંગ કોન્ટ્રાક્ટર અને જેમને ત્યાં લગ્નપ્રસંગ હતા તેના સંબંધી વચ્ચે ઝપાઝપી થતાં રંગમાં ભંગ પડ્યો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
વાત એમ છે કે પૂણેના શેવળેવાડી ખાતે રાજયોગ મંગલ કાર્યાલયમાં ગયા રવિવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જમણવાર પૂરો થયો ને મહેમાનોએ વિદાય લીધા પછી જેમને ત્યાં લગ્ન હતા એ પરિવારના કેટલાક સંબંધી જમવાનું કેટલું વધ્યું છે એ ચેક કરવા માટે કિચનમાં ગયા. તેમણે વધારાની રસોઇ ઘરે લઇ જવા દેવાની વાત કરી. આથી ઇવેન્ટ મેનેજર દિપાંશુ ગુપ્તાએ તેમને પરવાનગી આપી હતી.
પરવાનગી મળતા સંબંધીઓ વધેલા ગુલાબજાંબુને બોક્સમાં ભરી લીધા. સાથે સાથે ત્યાં પડેલા બીજા ગુલાબજાંબુ પણ બોક્સમાં પેક કરવા માંડતા દિપાંશુ ગુપ્તાએ તેમને અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ગુલાબજાંબુ ‘વધેલા’ નથી, પણ બીજે દિવસે લગ્નના જમણવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે, અને એ તમે લઈ જઈ શકો નહીં.
આ મુદ્દે ભારે તકરાર થઈ. ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સંબંધીઓએ ઈવેન્ટ મેનેજરની મારપીટ કરી. હવે દિપાંશુ ગુપ્તાએ હડપસર પોલીસ સ્ટેશનમાં ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter