નવી દિલ્હીઃ કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિનો આવિષ્કાર કરનાર ભારત દ્વારા મંગળવારે નવો ઈતિહાસ રચાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ‘ભારત-વિસ્તાર’ (Bharat-VISTAAR) નામનું એક ક્રાંતિકારી AI પાવર્ડ બહુભાષીય ટૂલ લોન્ચ કર્યું છે. આ ટુલ ખેડૂતોને ડિજિટલ ટેકનિક સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને તેમનાં બજેટમાં AI આધારિત કૃષિ પ્લેટફોર્મ ‘ભારત વિસ્તાર’ને વહેલીતકે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એપનું લોન્ચિંગ જયપુરમાં કેન્દ્રનાં કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને રાજસ્થાનનાં સીએમ ભજનલાલ શર્મા દ્વારા કરાયું હતું. સરકારનો હેતુ આ એપ દ્વારા ખેડૂતો સુધી ટેકનિકને સરળ રીતે સરળ ભાષામાં પહોંચાડવાનો છે, જેથી તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકે. આ ટૂલ ખેડૂતોને તેમની ભાષામાં જ ખેતીને લગતી માહિતી પૂરી પાડશે. આ ટૂલ દ્વારા ખેડૂતોને તેમની પાક લેવા માટેની યોજના, ખેતીની ટેકનિક, કીટક નિયંત્રણ, મોસમની આગાહી, ખેત પેદાશની કિંમત અને સરકારી યોજનાની માહિતી મળશે. ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના, પાક વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય સરકારી યોજનાની માહિતી મેળવી શકશે.
કઇ રીતે કામ કરશે ‘ભારત-વિસ્તાર’?
ભારત વિસ્તાર એ AI આધારિત એક બહુભાષિય આધુનિક ટૂલ છે. જે દેશનાં કરોડો ખેડૂતો માટે ડિજિટલ કૃષિ નિષ્ણાતની ભૂમિકા નિભાવશે. જેનું આખું નામ 'વર્ચ્યુઅલી ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ ટૂ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ (Virtually Integrated System to Access Agricultural Resources - VISTAAR)' છે. આ ડિજિટલ સિસ્ટમ ખેડૂતો માટે 24 કલાક ચાલુ રહેશે. જેમાં ‘ભારતી’ નામની એક AI વોઈસ આસિસ્ટન્ટ રહેશે. ખેડૂતો મોબાઈલ એપ દ્વારા કે સામાન્ય વોઇસ કોલ કે હેલ્પલાઈન નંબર 155261 ડાયલ કરીને સીધી માહિતી મેળવી શકશે. હાલ તે હિન્દી અને અંગ્રેજીમાં અને પછી તમામ પ્રાદેશિક ભાષામાં માહિતી આપશે.


