પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે લાશો મળવાનું ચાલુ જ છે. પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામ નજીક મોટી સંખ્યમાં લાશો ગંગા કિનારે દફનાવાઈ છે. સ્થિતિ એ છે કે એક છેડાથી બીજા છેડા સુધી માત્ર લાશો જ લાશો નજરે પડે છે. અહીં લગભગ એક કિમીના અંતરમાં લાશો વચ્ચે એક મીટરનું અંતર પણ નથી.
ઘાટની બંને તરફ જ્યાં સુધી નજર પડે છે, ત્યાં સુધી લાશો દફનાવાયેલી છે. લાશોની આસપાસ ઝંડા અને ડંડા લગાવાયા છે. એટલું જ નહીં લાશોની સાથે કપડા, તકિયા, ચાદર પણ ત્યાં જ છોડી દેવાયા છે. એવામાં ગંગા કિનારે ખૂબ ગંદકી પણ થઈ છે. પોલીસ પહેરો પણ કામમાં આવતો નથી. અંતિમ સંસ્કારનો સામાન પણ ખૂબ મોંઘો થઈ ગયો છે.
ઘાટ પર પૂજા-પાઠ કરાવનારા પંડિતો કહે છે કે અગાઉ રોજ ૮થી ૧૦ લાશો જ આવતી હતી, પણ છેલ્લા એક મહિનાથી દરરોજ ૬૦થી ૭૦ લાશો આવી રહી છે. કોઈ દિવસે તો ૧૦૦થી પણ વધુ મૃતદેહો આવે છે. એક મહિનામાં અહીં ૪ હજારથી વધુ લાશો આવી ચૂકી છે.
શૈવ સંપ્રદાયના અનુયાયી લાશો દફનાવે
શાસનના પ્રતિબંધ પછી પણ શૈવ સંપ્રદાયના અનુયાયીઓ અહીં લાશો દફનાવી રહ્યા છે. ઘાટ પર હાજર પંડિત કહે છે કે શૈવ સંપ્રદાયના લોકો ગંગા કિનારે લાશો દફનાવતા રહ્યા છે. આ ઘણી જૂની પરંપરા છે. તેમને રોકી ન શકાય. તેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાશે. અગાઉ ગરીબ લોકો જ લાશો દફનાવતા હતા, પણ કોરોના પછી મોટાભાગના લોકો આમ કરી રહ્યા છે
શ્રૃંગવેરપુર ધામ પર પુરોહિતનું કામ કરનારા શિવબરન તિવારી કહે છે કે સામાન્ય દિવસોમાં અહીં ૮-૧૦ લાશો જ આવતી હતી. તેમાંથી જે ખૂબ ગરીબ લોકો હોય છે, જેમની પાસે ખાવાના પણ પૈસા હોતા નથી અને દાહ સંસ્કારનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેઓ મૃતદેહ દફનાવે છે. જેઓ સક્ષમ હોય છે, તેઓ લાશોના દાહ સંસ્કાર કરે છે. આવું જ અત્યાર સુધી ચાલતું રહ્યું છે. પરંતુ કોરોનાએ જ્યારથી જોર પકડ્યું છે ત્યારથી એકલા શ્રૃંગવેરપુર ધામમાં જ રોજ ૬૦થી ૭૦ લાશો આવી રહી છે. ક્યારેક તો આ સંખ્યા ૧૦૦ને પાર પહોંચી જાય છે અને હવે અગાઉથી વધુ લોકો લાશો દફનાવી રહ્યા છે.
શિવબરન કહે છે કે કોરોનાના ડરના કારણે ઘણા દિવસ સુધી ઘાટ પરથી પુરોહિતો દૂર રહ્યા હતા. તમામ ડરી રહ્યા હતા કે ક્યાંક કોરોનાનો ચેપ ન લાગી જાય. એવામાં જે આવ્યું તેણે જ્યાં જગ્યા જોઈ ત્યાં જ લાશો દફનાવી દીધી. કોઈ રોકટોક ન હોવાથી ગંગા ઘાટ કિનારે જ્યાં આવીને લોકો સ્નાન-ધ્યાન કરે છે, ત્યાં સુધી લોકોએ લાશો દફનાવી.
દાહ સંસ્કાર માટે લાકડા ખૂટ્યા
શ્રૃંગવેરપુર ધામમાં પ્રયાગરાજ ઉપરાંત પ્રતાપગઢ, સુલતાનપુર અને ફૈઝાબાદ જિલ્લાની લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર પછી અહીં મોટી સંખ્યામાં લાશો આવી રહી છે, જેનાથી ઘાટ પર દાહ સંસ્કાર માટે લાકડાની ભારે અછત થઈ ગઈ. આ ઉપરાંત લાકડાના કોન્ટ્રાક્ટરોએ દાહ સંસ્કાર માટે વધુ પૈસા વસૂલવાનું શરૂ કરી દીધું. એવી સ્થિતિમાં લોકોએ મજબૂરીમાં દાહ સંસ્કાર કરાવવાના બદલે લોકો લાશોને રેતીમાં દફનાવી રહ્યા છે.