ગરીબ સવર્ણોને 10 ટકા અનામતઃ સુપ્રીમ કોર્ટની બહાલી

Wednesday 09th November 2022 04:57 EST
 
 

નવી દિલ્હીઃ આર્થિક આધારે 10 ટકા અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની મોટી જીત થઇ છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાંથી ત્રણ જજોએ આ અનામતને યોગ્ય ઠેરવી હતી જ્યારે ચીફ જસ્ટિસ સહિતના બે ન્યાયાધીશોએ આર્થિક આધારે અનામતને અયોગ્ય ઠેરવી હતી. જોકે બહુમત હોય તેને ચુકાદો માનવામાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે આર્થિક આધારે 10 ટકા અનામતને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્ર સરકારે આ અનામતનું સમર્થન કર્યું હતું. સુપ્રીમ કોર્ટના બહુમત સાથે અપાયેલા ચુકાદામાં કહ્યું છે કે આર્થિક આધારે અનામતથી બંધારણના મૂળ માળખા પર કોઇ જ અસર નથી થતી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મુજબ કેન્દ્ર સરકારે વર્ષ 2019માં બંધારણમાં 103મો સુધારો કરીને આર્થિક આધારે નબળા વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપી છે તેનાથી બંધારણનું કોઇ જ ઉલ્લંઘન નથી થઇ રહ્યું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુ.યુ. લલિત, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા, ન્યાયાધીશ દિનેશ માહેશ્વરી, ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદી, એસ. રવીન્દ્ર ભટ દ્વારા આ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવી હતી.
પાંચમાંથી ત્રણ ન્યાયાધીશ દિનેશ માહેશ્વરી, બેલા એમ. ત્રિવેદી, પારડીવાલાએ આર્થિક આધારે નબળા વર્ગને 10 ટકા અનામતનું સમર્થન કર્યું હતું અને સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે મુખ્ય ન્યાયાધીશ લલિત, ન્યાયાધીશ રવીંદ્ર ભટે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આર્થિક આધારે અનામતથી બંધારણના મૂળ માળખાનું ઉલ્લંઘન થાય છે. બાદમાં બહુમતને માન્ય રાખીને સરકારની તરફેણમાં ચુકાદો અપાયો હતો.
સરકારની તરફેણમાં અપાયેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક આધારે અપાયેલી આ અનામતથી ઓબીસી, એસસી, એસટીને મળીને અપાયેલી 50 ટકા અનામતના મૂળ ક્વોટા પર કોઇ જ અસર નથી થતી. ગરીબ સવર્ણ વર્ગના લોકોને પણ સમાજમાં બરાબરી સુધી લાવવા માટે સકારાત્મક કાર્યવાહીના ભાગરૂપે આ સંશોધન જરૂરી હતું.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી લલિત આઠમી તારીખે નિવૃત્ત થવા જઇ રહ્યા છે તે પૂર્વે જ આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જોકે મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત આર્થિક આધારે સવર્ણોને 10 ટકા અનામતના વિરોધમાં હતા.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એવા સમયે આપ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેથી આ ચુકાદાથી ચૂંટણીઓ પર પણ અસર થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter