વર્ષ ૨૦૦૩થી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ખામીભરી નીતિને કારણે ચોખામિલોને અપાતા માલમાં રૂ. એક લાખ કરોડનો ફાયદો આ મિલોને કરાવાયો છે તેવો ચોંકાવનારો અહેવાલ કેગ દ્વારા તૈયાર કરાયો છે. કેન્દ્ર સરકારને અપાનારા આ અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે કે, સરકાર ધાન આપે છે તે ચોખા તૈયાર કરવાની પ્રક્રિયાની બાય પ્રોડક્ટમાંથી મિલો કરોડો રૂપિયા કમાય છે. આ મિલોમાંથી મોટો જથ્થો ગુજરાતમાં પણ આવે છે. દર વર્ષે રૂ. ૧૦૦૦૦ કરોડનો ફાયદો રાઇસમિલોને થતો હોવાનું કેગનાં સંશોધનમાં બહાર આવ્યું છે.
કેગના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો એજન્સીઓને ચોખાની મિલોને પ્રોસેસ કરવા માટે જે ચોખા અપાય છે તેમાં ૧૦૦ કિલો ચોખા પ્રોસેસ કરવામાં ૬૮ કિલો ચોખા મળે છે, જે ૩૩ કિલો બાય પ્રોડક્ટ મળે છે તેમાં ચોખાની ફોતરી અને ટુકડા ચોખા મળે છે. આ ચોખા બજારમાં વેચી દેવાય છે. આવા ચોખાની બજારમાં ભારે માગ પણ હોય છે. ચોખાને પ્રોસેસ કરવા માટે સરકાર ૧૦૦ કિલોએ રૂ. ૮૭ આપે છે.