ગરીબોનાં પૈસા પર કોઈનો ‘પંજો’ નહીં પડવા દઉં: મોદી

Wednesday 03rd April 2019 08:50 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન હેઠળ તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી દેશમાં ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કરતાં કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ટીકાની ઝડી વરસાવી હતી.
મોદીએ કહ્યું હતું કે મારા માટે દેશ અને સવાસો કરોડ ભારતીયો સૌથી પહેલા છે. દેશનાં લોકો ટેક્સ ભરે છે અને જુદી જુદી રીતે પૈસા ચૂકવે છે ટેક્સનાં આ પૈસા પર ગરીબોનો હક છે. દેશનાં લોકો અને ગરીબોનાં આ પૈસા પર હું કોઈનો પંજો પડવા નહીં દઉં. હું તેની ચોકીદારી કરતો રહીશ. દેશ માટે કઈંક કરી છૂટવાની ભાવના રાખનાર તેમજ રાષ્ટ્ર સન્માનમાં પોતાનું ગૌૈરવ અનુભવતા લાખો લોકોને ટેક્નોલોજીનાં માધ્યમથી મળવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે.
મોદીએ કટાક્ષમાં કહ્યું કે કેટલાક લોકોની માનસિક્તા ચોકીદાર એટલે હાથમાં ડંડો, માથામાં ટોપી અને સીટીની છે પણ ચોકીદાર બનવું એ પણ એક સ્પિરિટ છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી મારા માટે પ્રાથમિકતા છે.
મોદીએ આગામી ચૂંટણીમાં ભાજપ સરકારને શા માટે મત આપીને ચૂંટી કાઢવી તે જણાવ્યું હતું. તેમણે નવી ભાજપ સરકાર કેન્દ્રમાં રચાય તો તેમનાં પાંચ વર્ષની યોજનાનો પ્લાન રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું કે, અગાઉ જે ખાડા પડયા છે તે અમે પૂરીશું. ભ્રષ્ટાચારીઓ સામે સખત પગલાં લઈશું. દેશને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવીશું. આગામી પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરીશું. દેશનો વિકાસ કરીશું. શિક્ષણને ગ્લોબલ બેન્ચમાર્ક બનાવીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter