નાગપુર: આ વડીલની ઉંમર છે ૮૭ વર્ષ. વ્યવસાય છે હોમિયોપથી અને આયુર્વેદિક ડોક્ટરનો. તેમનું કામ છે જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવાનું. તેમનું નામ છે ડો. રામચંદ્ર દાંડેકર.
કોરોના મહામારીના આ કપરા દિવસોમાં વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્કતા દાખવવાની સલાહ અપાઈ છે, ત્યારે મહારાષ્ટ્ર જિલ્લાના ચંદ્રપુર જિલ્લાના મૂળ ગામના રહેવાસી ડો. દાંડેકર આસપાસના ગામોમાં ફરતા રહે છે! સક્રિય જીવનમાંથી નિવૃત્ત થઇને આરામ કરવાની આ ઉંમરે પણ તેઓ સેવાકાર્યમાં સક્રિય છે. તેઓ અંતરિયાળ વિસ્તારોના ગામડાંઓમાં જઈને જરૂરતમંદ દર્દીઓની સારવાર કરવાનું ઉદાહરણીય કામ કરી રહ્યા છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પોતાના નિવાસસ્થાન મૂળ ગામથી તેઓ સાઇકલ પર રવાના થાય છે અને પોમ્ભુરના અને બલ્લારશાહ તાલુકામાં ૧૦-૧૨ કિલોમીટરના ઘેરાવામાં ફરતા રહે છે. અને તેમનો આ સેવાયજ્ઞ આજકાલનો કે નિવૃત્તિ પછીનો સમય પસાર કરવા માટેનો નથી. તેઓ છેલ્લા ૬૦ વર્ષથી એટલે કે ૨૭ વર્ષની યુવાન વયથી કોઈ ફી લીધા વિના ઘરે ઘરે જઈને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કોવિડ-૧૯ મહામારીનો ભારતમાં પ્રવેશ થયો ત્યારે પણ તેમણે ઘર બહાર નીકળવાનું બંધ કર્યું ન હતું, અને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના તેની ટોચે હતો ત્યારે પણ તેઓ અટક્યા નહોતા.
ડો. દાંડેકર આ મામલે કહે છે કે, કોરોનાના કપરા દિવસો ભલેને આવ્યા હોય, પણ મારી દિનચર્યામાં કોઈ ફર્ક નથી પડ્યો. હું જિંદગીના અંતિમ શ્વાસ સુધી આસપાસના ગામડાં-ગામોમાં જઈને લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા માંગુ છું. ડો. દાંડેકર નાગપુર હોમિયોપથી કોલેજમાંથી ૧૯૫૭-૫૮માં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. અંતરિયાળ વિસ્તારના દર્દીઓની સારવાર માટે તેઓ જરૂર પડ્યે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં પણ પ્રવાસ કરી લે છે. અને છેવાડાના ગામે ગયા હોય અને ઘરે પરત ફરવામાં બહુ મોડું થશે તેવું લાગે તો તેઓ ગામમાં જ કોઈના ઘરે રોકાઈ જાય છે.