ઇન્દોરઃ આ વાત કોઇ ફિલ્મી કહાની નથી, પણ હકીકત છે કે લગ્ન સમારંભમાં ભારત સરકાર કન્યાપક્ષ તરીકે સામેલ થશે. વિદેશ મંત્રાલય જ કન્યા માટે વરની પસંદગી કરશે અને તેને ઘર, નોકરી તથા ગૃહસ્થીનો અન્ય સામાન પણ આપશે. યુવકોના બાયોડેટા પહેલાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ જોશે તો મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ લગ્નમાં મદદ કરશે.
ભારત સરકાર આ બધી તૈયારી ઇન્દોરમાં રહેતી ૨૪ વર્ષીય મૂક-બધિર ગીતા માટે કરી રહી છે, જેને લગભગ અઢી વર્ષ અગાઉ પાકિસ્તાનથી પરત લાવવામાં આવી છે.
ગીતા માટે પરિચય સંમેલનથી માંડીને સોશિયલ સાઇટ્સ પર વરરાજાની તલાશ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૨ યુવક ગીતા સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, જેમાં લેખકથી માંડીને પંડિત પણ સામેલ છે.
ગીતા ઇન્દોરના ગુમાશ્તા નગર સ્થિત મૂક-બધિર સંગઠનમાં રહે છે. સંગઠનની મોનિકા પંજાબીએ જણાવ્યું કે ગીતાએ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમે બાયોડેટા મંગાવ્યા હતા. અમને મળેલા બાયોડેટા વિદેશ મંત્રાલયને મોકલી આપ્યા છે. ગીતા સાથે લગ્ન માટે ઉત્સુક કેટલાક યુવકો સાથે સાંકેતિક ભાષા વિશેષજ્ઞ જ્ઞાનેન્દ્ર પુરોહિતે વાત કરી. મોટા ભાગના યુવકોનું કહેવું છે કે ગીતા જાણીતો ચહેરો હોવાના કારણે તેઓ તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે.
ગીતા માટે લાયક યુવક શોધી રહેલા પુરોહિતે લગ્નોત્સુક યુવકોને મુખ્યત્વે બે સવાલ પૂછ્યા હતાઃ લગ્ન માટે ગીતાને શા માટે પસંદ કરો છો? બીજો સવાલ હતોઃ શું તમારો પરિવાર આ લગ્ન માટે રાજી છે? અહીં કેટલાક પ્રતિભાવ રજૂ કર્યા છે.
• અમદાવાદના રિતેશ કુમાર નામના યુવાને કહ્યું હતુંઃ ઇન્ટરનેટ પર ગીતાના વીડિયો જોયા હતા. તે પ્રસિદ્ધ છે. સીધી-સાદી છે... હું લગ્ન માટે તૈયાર છું. માતા-પિતા સાથે તમે વાત કરી લો.
• સાંવેરના મહેશદાસ બૈરાગીએ કહ્યું હતુંઃ પાકિસ્તાનમાં રહીને પણ ગીતાએ હિન્દુ ધર્મ નથી છોડ્યો. તેની સાઇન લેંગ્વેજ સારી છે. મારે સિમ્પલ છોકરી જ જોઇએ.... મારા ઘરવાળા તૈયાર છે.
• ઇન્દોરના સુરેશ સિસોદિયાએ કહ્યું હતુંઃ ગીતા પ્રસિદ્ધ છે. વિમાનમાં ભારત આવી હતી. સિમ્પલ છોકરી છે. સુષમાજી પોતે લગ્ન કરાવશે.... ઘરવાળાઓને કોઇ પરેશાની નથી.
દરેક બાબત વિદેશ મંત્રાલય હસ્તક
લગ્ન મામલે અંતિમ નિર્ણય ગીતાનો જ હશે, પણ દરેક બાબત વિદેશ મંત્રાલય જ કો-ઓર્ડિનેટ કરશે. ઇન્દોરના જિલ્લા કલેક્ટર નિશાંત વરવડેએ જણાવ્યું હતું કે અમને જે કંઇ પણ નિર્દેશો મળશે તેનો અમલ કરીશું.