અમદાવાદઃ મુંબઈમાં આંતક ફેલાવવાના ષડયંત્ર પ્રકરણમાં કચ્છના ગાંધીધામથી અલ્લારખા અબ્દુલબકર મન્સુરી નામના શખ્સની મુંબઈ એટીએસએ ધરપકડ કરી તેની વધુ તપાસ માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આંતક ફેલાવવા માટે કેન્દ્રના ગૃહ વિભાગના ઈનપુટ મુંબઈ એટીએસને મળ્યા હતાત જેના આધારે ૧૨મી મેએ પહેલાં મુંબઈમાંથી ફેસલ હસન મિર્ઝા નામના મુખ્ય કાવતરાખોરને પકડ્યો હતો. જેની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, ગુજરાતમાંથી મોટાપાયે હથિયારો અને દારૂગોળો મુંબઈ આવવાનો હતો અને આકાઓની સૂચના પ્રમાણે વિસ્ફોટો કરી આતંક ફેલાવવાનો હતો. જેમાં કચ્છના ગાંધીધામના અલ્લારખા અબ્દુલબકર મન્સુરી સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરાઈ છે. અલ્લારખા ડ્રાઇવર છે. જે આંતકના આકાઓ માટે કામ કરે છે.