ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઃ 1 અને 5 ડિસેમ્બરે મતદાન, આઠમીએ પરિણામ

Thursday 03rd November 2022 05:04 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આખરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં બે તબક્કામાં - પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન થશે, અને તમામ 182 બેઠકોનું પરિણામ - હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે - જાહેર થશે. પહેલી ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે જ્યારે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં કુલ 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો મતાધિકાર ધરાવે છે. આમાંથી 3.24 લાખથી વધુ યુવા મતદારો પહેલી વખત તેમના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.

ગુરુવારે પાટનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે રાજ્યમાં 324,422 મતદારો પહેલી વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યની 182 બેઠકો માટે 51,782 મતદાન મથકો ઉભા કરાશે. આમાંથી ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો વેબકાસ્ટીંગ સુવિધાથી સજ્જ હશે. રાજ્યના 1274 મતદાન મથકોની જવાબદારી માત્ર મહિલા કર્મચારીઓ અને સુરક્ષા જવાનો સંભાળશે, જ્યારે 33 મતદાન મથકોની જવાબદારી સૌથી યુવા ચૂંટણી કર્મચારીઓને સોંપાશે. પહેલી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન માટે 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, જ્યારે પાંચમી ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કા માટે 10થી 17 નવેમ્બર દરમિયાન ફોર્મ ભરી શકાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે કહ્યું હતું કે 135 માનવજિંદગીનો ભોગ લેનાર મોરબી પુલ કરુણાંતિકાના કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ થયો છે. રાજ્યની વર્તમાન વિધાનસભાની મુદત આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂરી થઇ રહી છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 79 અને અન્યોએ ચાર બેઠકો જીતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter