ગુમનામી બાબાના બોક્સમાંથી સુભાષચંદ્ર બોઝ સંલગ્ન ચીજો મળી

Thursday 17th March 2016 08:52 EDT
 
 

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં ગુમનામી બાબા જ્યાં રહેતા હતા ત્યાંથી મળેલી વિવિધ સામગ્રીમાંથી નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારની જૂની તસવીરો સહિત અનેક વસ્તુઓ મળી આવી છે, જેના પરથી આ બાબા જ સુભાષચંદ્ર હોવાની વાતને વધુ મજબૂત સમર્થન મળી રહ્યું છે. હાઈકોર્ટના આદેશને પગલે ગુમનામી બાબાની વિવિધ વસ્તુઓ અલગ-અલગ બોક્સમાંથી ૧૫મી માર્ચે બહાર કઢાઈ હતી. ગુમનાબી બાબાના સામાનમાં એક બોક્સમાંથી જે કેટલીક તસવીરો મળી છે, તેમાં નેતાજીના માતા-પિતા (પ્રભાવતી બોઝ અને જાનકીનાથ બોઝ)ની તસવીર છે. બીજી તસવીરમાં સમગ્ર પરિવાર છે, જેમાં બાવીસ સભ્યો દેખાય છે. ગુમનામી બાબા ૧૯૮૨થી ૧૯૮૫ દરમિયાન જ્યાં રહેતા હતા તે મકાન રામભવનના માલિક શક્તિસિંહે પણ ફોટો ગુમનામી બાબાના પરિવારજનોનો હોવાનું સમર્થન કર્યું છે.

બોક્સમાંથી એક દૂરબીન પણ મળી આવ્યું છે, જે જર્મનીનું છે. નેતાજી પાસે પણ આવું જ દૂરબીન હતું. એક ટાઈપરાઈટર પણ હતું, જે સુભાષબાબુ ઉપયોગ કરતા હતા તેવું જ છે.

ગુમનામી બાબાનું ૧૯૮૫માં મૃત્યુ થયું હતું. ફૈઝાબાદ વહીવટી તંત્રએ કોર્ટના આદેશને પગલે ગુમનામી બાબાની દરેક વસ્તુની ચકાસણી અને સુભાષબાબુ સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે ચકાસવા માટે એક સમિતિ રચી છે. શક્તિસિંહનો આ સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે સમાવેશ કરાયો છે. શક્તિસિંહે કહ્યું કે સુભાષચંદ્રના ભાઈ સુરેશચંદ્ર બોઝના પુત્રી લલિતા બોઝ ૪ ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ રામભવન ખાતે આ‌વ્યા હતા. તેમણે પણ આ તસવીર તેમના પરિવારની હોવાનું કહ્યું હતું.

તસવીરો ઉપરાંત અનેક વસ્તુ મળી છે, જે સુભાષબાબુને જોડતી કડી મનાય છે. આઝાદ હિન્દ ફૌજમાં ગુપ્તચર પાંખના સિનિયર અધિકારી પવિત્રમોહન રોય અને સુનિલકાંત ગુપ્તાએ દુર્ગાપૂજા અને નેતાજીના જન્મદિવસ નિમિત્તે મોકલાવેલા ટેલિગ્રામ પણ આ બોક્સમાં મળી આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter