રેપ કેસમાં ગુરમિત રામ રહિમ દોષિતઃ હિંસક વિરોધ પ્રદર્શનમાં ૧૪ના મોત, અનેકને ઇજા

Friday 25th August 2017 08:23 EDT
 
 

પંચકૂલાઃ ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહિમ સામે પંચકૂલાની કોર્ટમાં સાધ્વી સાથે બળાત્કારના કેસનો શુક્રવારે (આજે) સીબીઆઈની ખાસ કોર્ટમાં જજ જગદીપ સિંહે ચુકાદો સંભળાવતાં દોષિત ઠેરવ્યાં હતા. બાબાની સજાની સુનાવણી ૨૮મી ઓગસ્ટે થશે. ચુકાદા અગાઉ કોર્ટરૂમમાં હાજર તમામ લોકોના ફોન બંધ કરાવી દેવાયા હતાં અને કોર્ટમાંથી બધાને બહાર જવા કહેવાયું હતું. માત્ર જજ, વકીલ અને રામ રહિમ જ કોર્ટરૂમમાં હતાં. ચુકાદા બાદ બાબાને કસ્ટડીમાં લેવાયા હતા અને કોર્ટમાંથી સીધા જેલમાં લઈ જવાયા હતા. ચંદીગઢના સેકટર-૧૬માં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટેમ્પરરી જેલ પણ બનાવવામાં આવી છે. સુનાવણી બાદ પંજાબ અને હરિયાણામાં હિંસાના બનાવો બન્યાં હતાં અને વકરેલી હિંસામાં ૧૪ના મોત અને ૫૦થી વધુ ઘાયલ થયાના અહેવાલ હતા.

પંજાબ - હરિયાણામાં હિંસા વકરી

ચુકાદા બાદ ડેરા પ્રમુખના સમર્થકો હિંસા પર ઉતરી આવ્યાં હતાં અને પોલીસે જણાવ્યું છે કે હિંસામાં પાંચના મોત થયા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ૧૨થી વધુ ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટનામાં ૧૦૦થી વધુ ગાડીઓને આગચંપીના અહેવાલ છે. આ ઉપરાંત ડેરા સમર્થકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યાના સમાચાર હતા. ગુરમીત સિંહની સુનાવણી બાદ શિમલા હાઈવે પર ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને ચુકાદા બાદ સુરક્ષાના કારણોસર દિલ્હી સરહદે પણ એલર્ટ જારી કરાયા છે. સિરસામાં ભારે સંખ્યામાં સેનાની તૈનાતી કરાઈ છે. સમર્થકો પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓને ટાર્ગેટ કરી રહ્યાં છે.

શાંતિની અપીલ

રામ રહિમ દોષિત જાહેર થતા સમર્થકો બેકાબૂ બન્યાં છે. પંચકૂલામાં એક મીડિયા વાન પર હુમલો કરાયા હોવાના અહેવાલો છે. પોલીસે હિંસક બનેલા સમર્થકો પર ટીયરગેસના સેલ છોડ્યાં છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે ડેરા સચ્ચા સોદાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. રાજયમાં ૧૬ હજાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ૪૭ સ્થળને હાઈપર સેન્સેટિવ જાહેર કરાયા છે. આ કેસની સુનાવણી પછી હિંસા ભડકી ઉઠવાની શકયતા હોવાના કારણે તંત્ર દ્વારા અગાઉથી પંજાબ હરિયાણામાં પ્રાઇવેટ સ્કૂલ બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર માલવા બેલ્ટના ૧૩ જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. જયારે મોગામાં સાત પેરા મિલિટ્રી ફોર્સની કંપનીઓ અગાઉથી તૈનાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ૧૧૦૦૦ પોલીસ કર્મીઓ સાથે ૫૦ સ્પેશ્યલ સુરક્ષા ટૂકડી તૈયાર રખાઈ હતી. હિંસા ફાટી નીકળે તેની શક્યતા લાગતા વિસ્તારોમાં અગાઉથી ૧૩ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી હતી. ફરિદકોટ સહિત ઘણાં વિસ્તારોમાંથી લાઈસન્સ વાળા હથિયારો જમા લઈ લેવામાં આવ્યા હતા અને પોલીસે જણાવ્યું હતું કે, અમે કયાંય વાતાવરણ ખરાબ નહીં થવા દઈએ. જરૂર પડશે તો અમે ગોળીઓ પણ ચલાવીશું. બીજી બાજુ ડેરા પ્રેમીઓ બાબાને કોઈ નુકસાન નહીં પહોંચવા દઈએ તેવું પણ પોલીસે જણાવ્યું હતું.

બાબાએ બદલ્યો પ્લાન

પહેલા એવી માહિતી હતી કે રામ રહિમ સિરસાથી પંચકૂલા જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે. તંત્રએ પણ તેમને સુરક્ષા કારણોસર હવાઈમાર્ગે આવવા જણાવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન બદલાયો અને બાબા બાય રોડ જ સીબીઆઈ કોર્ટે ગયા હતા. તેમની સાથે ૮૦૦ ગાડીઓનો કાફલો હોવાના અહેવાલો હતાં. સિરસાથી પંચકૂલા ૨૫૦ કિમીનું અંતર છે. ડેરા પ્રમુખના સેંકડો સમર્થકોએ તિગાંવમાં ભેગા થઈને રણનીતિ બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ સૂચના મળતાં પોલીસે તેમને વિખેરીને યોજના નિષ્ફળ બનાવી હતી. છતાં ૨૫૦ કિમીના અંતરમાં ઠેર ઠેર બાબાના સમર્થકો હાજર રહ્યા હતા.

કહેવાય છે કે જેવી સિરસાના આશ્રમથી બાબા પંચકુલા જવા માટે નીકળ્યા કે તેમના સમર્થકો ગાડીઓની આગળ જઈને સડક પર ચત્તાપાટ સૂઈ ગયાં. તેમનું કહેવું હતું કે તેઓ તેમને જવા દેશે નહીં. સમર્થકોનો આરોપ છે કે બાબાને આ કેસમાં કાવતરું કરીને ફસાવવામાં આવ્યાં છે. ત્યારબાદ સમર્થકોને સમજાવવામાં આવ્યાં અને બાબાનો કાફલો આગળ વધ્યો.

૭૪ ટ્રેનો રદ કરાઈ

હરિયાણાની બોર્ડર સીલ થવા સાથે રેલવેએ હરિયાણા, પંજાબ, ચંડીગઢ અને રાજસ્થાન જનારી લગભગ ૭૪ જેટલી ટ્રેનો રદ કરી નંખાઈ હતી. રોડવેઝે પણ અનેક રૂટ્સની બસો બંધ કરી દેવાઈ હતી.

પંજાબ, હરિયાણામાં મોબાઇલ-ઇન્ટરનેટ બંધ

તકેદારીનાં પગલારૂપે પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા બંને રાજ્યો અને ચંડીગઢમાં શુક્રવારે ૭૨ કલાક માટે મોબાઈલ અને ઇન્ટરનેટસેવા બંધ કરી હતી. અન્ય ડેટાર્સિવસ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter