નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામ જમીન કૌભાંડ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અહીંના ખેડકી દોલા નામના વિસ્તારમાં હુડા અને વાડ્રા બંને સામે એફઆઈઆર નોંધાઈ છે. બંને પર આરોપ છે કે, વાડ્રાએ રાજકીય સંપર્કોના ઉપયોગથી હુડા સાથે મળીને ગુરુગ્રામમાં જમીન મેળવી હતી. આ જ કેસમાં પોલીસે ડીએલએફ કંપની અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે પણ એફઆઈઆર નોંધી છે. આ પહેલાં આવકવેરા વિભાગે રૂ. ૪૨ કરોડની આવકના કેસમાં પણ રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી છે. આ કેસ સ્કાયલાઇટ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલો છે, જેમાં વાડ્રાનો હિસ્સો ૯૯ ટકા જેટલો છે. વાડ્રાએ આ કાર્યવાહીને હાઈ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. વાડ્રાએ અદાલતમાં દાવો કર્યો હતો કે, તેમની કંપની લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપમાં હતી જ્યારે આવકવેરા વિભાગની નોટિસમાં તેમની કંપનીને પ્રાઈવેટ લિમિટેડ ગણાવાઈ છે. જોકે, બંને અદાલતોએ વાડ્રાની અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં હુડાએ જણાવ્યું છે કે મારી સામે રાજકીય બદલો લેવા કાર્યવાહી કરાઈ છે.
જોકે, હરિયાણા પૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ. સીબીઆઈ અને વિજિલન્સમાં અનેક કેસ નોંધાયા પછી કાર્યવાહી હાથ ધરાઈ છે.