ગોરખપુર બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી ૭૨ બાળદર્દીઓનાં મૃત્યુ

Wednesday 16th August 2017 11:13 EDT
 
 

ગોરખપુરઃ બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થવાથી થયેલાં બાળકોનાં મોતનો આંકડો ૭૨ને આંબી ગયો છે. તમામ બાળદર્દીઓ એનએનયુ અને ઇંસેફેલાઇટિસ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં હતાં. રૂ. ૬૯ લાખ ભર્યાં ન હોવાથી ઓક્સિજન સપ્લાય કરનારી સંસ્થાએ દસમી ઓગસ્ટે રાત્રે જ ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધું હતું. ૧૧મી ઓગસ્ટે ઓક્સિજનના તમામ સિલિન્ડર પણ ખલાસ થઇ ગયાં હતાં.
ડોક્ટરોએ એમ્બુ બેગ દ્વારા બાળકોને ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકોને બચાવી શક્યાં નહોતાં. ઘટનાને પગલે યુપીના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશની જાહેરાત કરી હતી.
યોગીએ મુલાકાત લીધી
રવિવારે સવારે આદિત્યનાથે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, બાળકોનાં મોત માટે જવાબદારની વિરુદ્ધમાં આકરાં પગલાં લેવાશે. તેમના નિવેદનના ગણતરીનાં કલાકોમાં જ રવિવારે સાંજે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને વાઈસ પ્રિન્સિપાલ ડોક્ટર કફીલ ખાનને તમામ જવાબદારીમાંથી કોઈ જ કારણ આપ્યા વિના હટાવી દેવાયા હતા. જોકે ૧૨મી ઓગસ્ટે, શનિવારે સોશિયલ મીડિયામાં સમાચાર હતા કે, કફીલ ખાને ઓક્સિજન પૂરું થયા પછી તેની વ્યવસ્થાના દરેક પ્રયાસો કર્યાં હતાં અને સ્વખર્ચે હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા કરાવી હતી. સાથે જ પોતાની ઓળખવાળા ડોક્ટરોને પણ ઓક્સિજનની વ્યવસ્થા કરવા મદદ લીધી હતી.
યોગી સરકાર હત્યારીઃ બબ્બર
યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, બાળકોનાં મોત નહીં પરંતુ હત્યા થઈ છે. ભાજપની સરકાર હત્યારી છે. કોંગ્રેસે પીડિત પરિવારોને રૂ. ૧-૧ કરોડનું વળતર આપવાની માગ કરી છે. આ ઉપરાંત આ ઘટનાના પગલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના કહેવા પર ચાર કોંગ્રેસી નેતાઓ ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, સંજય સિંહ અને પ્રમોદ તિવારીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. યોગીએ રાજ બબ્બરના નિવેદન પછી કહ્યું છે કે, વિપક્ષ મુદ્દાનું રાજકીયકરણ કરી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter