પણજીઃ ગોવાના દેવબાગ ગામ બીચ પર ૧૫મી માર્ચે એક વિદેશી યુવતીનો મૃત્યદેહ મળી આવ્યો છે. ફોરેન્સિક તપાસમાં યુવતીની વય ૨૮ વર્ષ જેટલી હોવાનો અને યુવતી બ્રિટનની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે બળાત્કાર પછી એની હત્યા કરી દેવાઈ છે. પોલીસે આ અપરાધમાં કથિત સંડોવણી બદલ એક પુરુષની ધરપકડ પણ કરી હતી. યુવતીનો મૃતદેહ તદ્દન નગ્ન અવસ્થામાં મળ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, મૃતક મહિલા ૨૩ ફેબ્રુઆરીએ ગોવા આવી હતી અને ત્યારપછીથી તે દક્ષિણ ગોવામાં રજાઓ માણી રહી હતી.
તેનો મૃતદેહ મળ્યો તેના થોડા કલાકો પહેલાં જ તે સ્થાનિકો સાથે હોળી રમતી જોવામાં આવી હતી. મહિલાનો ચહેરો છુંદી નાંખવામાં આવ્યો હતો. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજમાં મોકલી અપાયો હતો. આ કેસમાં દેવબાગ પાસેના કાનાકોનાના વિકાસ ભગતને હત્યામાં સંડોવણી બદલ પકડી લેવાયો છે.
પોલીસે જણાવ્યું હતું કે, અગોડા અને કાનાકોના વચ્ચે આવેલા દેવબાગ ગામમાં નિર્જન જગ્યાએથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો તેના ૨૪ કલાકની અંદર જ વિકાસની ધરપકડ કરાઈ હતી. વિકાસની અગાઉ પણ અનેક વખત નાની મોટી ચોરીઓમાં અને અન્યો સાથે મારપીટના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં પણ સ્કાર્લેટ નામની એક સગીરા પર બળાત્કાર ગુજારી એની હત્યા કરાઈ હતી. એ કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બંને નિર્દોષ છૂટી ગયા હતા.