ગૌતમ અદાણી ગ્રીન એનર્જી ક્ષેત્રમાં $૫૦- ૭૦ બિલિયન રોકાણ કરશે

Wednesday 27th October 2021 06:55 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો સામનો કરવા ગ્રીન એનર્જીને પ્રાધાન્ય અપાઈ રહ્યું ત્યારે લંડનમાં સાયન્સ મ્યૂઝિયમના ઉપક્રમે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આગામી દાયકામાં તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોંગ્લોમેરેટ સમગ્ર એનર્જી વેલ્યુ ચેઈન ક્ષેત્રમાં ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક વિકાસની તકોમાં ૫૦થી ૭૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે બંદરોથી એનર્જી સુધીના તેમના ગ્રૂપ દ્વારા રિન્યુએબલ એનર્જી જનરેશન ક્ષેત્રે જ ૨૦ બિલિયન ડોલરનું રોકાણ કરાશે. આ ઉપરાંત, ધ રિન્યૂએબલ એનર્જી વેલ્યૂ ચેઈન સેક્ટરમાં નવા ઉદ્યોગો અને રોજગારીનું પણ સર્જન કરવામાં આવશે. અદાણીએ જણાવ્યું હતું કે, હાઈડ્રોજન પ્લાન્ટ ભવિષ્ય સુધારનારો અને બદલનારો સાબિત થશે. આગામી સમયમાં ભારત ખાતે દુનિયામાં સૌથી સસ્તા હાઈડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે.

તેમણે સમિટમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ અંગે જે નીતિઓ નક્કી કરવામાં આવે તે ન્યાયી અને વ્યવહારુ હોવી જોઈએ. જે લોકોએ વિશ્વને પહેલાં નુકસાન પહોંચાડી દીધું છે તેમણે હવે વધારે કાળજી રાખવાની જરૂર છે. અદાણીએ કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના વૈશ્વિક પ્રયાસથી અગણિત તકો સર્જાશે જેના માટે ડ્રિલિયન્સ ડોલર્સના ઈન્વેસ્ટમેન્ટ્સની જરૂર પડતી હોય.

લંડનના મ્યૂઝિયમમાં અદાણી ગ્રીન એનર્જી ગેલેરી

ગૌતમ અદાણીએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની હાજરીમાં લંડનના સાયન્સ મ્યૂઝિયમમાં અદાણી ગ્રીન એનર્જી ગેલેરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ૨૦૨૩માં ખુલ્લી મૂકાનારી ‘એનર્જી રિવોલ્યુશનઃ ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ના મુખ્ય ભંડોળકાર રહેશે. આ ગેલેરી ક્લાઈમેટ ચેન્જને નાથવા ઈતિહાસમાં વિશ્વ કેટલી ઝડપથી ગ્રીન એનર્જીનું ટ્રાન્ઝિશન કરી શકે તેની તપાસ કરશે. ભૂતકાળની ઊર્જાક્રાંતિ અને ભવિષ્યના પ્રોજેક્શન્સ આ ગેલેરીમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter