મુંબઇઃ વિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી ટોપ-100 ધનવાનોની યાદીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 112.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. મુકેશ અંબાણી 89.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે રહ્યા છે. ગૌતમ અદાણી ડોલરના મૂલ્યમાં સૌથી વધુ વૃદ્ધિ મેળવનાર ઉદ્યોગપતિ બન્યા છે. બજારના વિવિધ પડકારો છતાં ભારતના ગૌતમ અદાણી સૌથી ધનિક ઉદ્યોગકાર તરીકે ઉપસી આવ્યા છે. રૂપિયો અને શેરબજાર બંનેમાં અનુક્રમે 8.5 ટકા અને 9.5 ટકાનો જબ્બર ઘટાડો નોંધાયો છે તેવા માહોલમાં પણ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ તરીકે ગૌતમ અદાણીએ પોતાની મજબૂતી જાળવી રાખી છે. ભારતના ઉદ્યોગપતિઓની 1 ટ્રિલિયન ડોલરની સંયુક્ત સંપત્તિ અગાઉની ગણતરીની તુલનામાં યથાવત રહી છે.
‘ફોર્બ્સ’ મુજબ ટોચના ક્રમમાં જોવા મળેલા ફેરફારમાં અદાણી ગ્રૂપના ચેરમેન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના દિગ્ગજ ગૌતમ અદાણીની સંપત્તિમાં 20.7 બિલિયન ડોલરનો વધારો થતાં, પરિવાર સાથેની તેમની કુલ સંપત્તિ 112.7 બિલિયન ડોલરે પહોંચી છે.
અદાણી ગ્રૂપ દ્વારા વિવિધ વ્યવસાયોમાં વિશાળ પાયે વિસ્તરણ કરાઇ રહ્યું છે જેમાં AI સંબંધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 બિલિયન ડોલરનું રોકાણ મુખ્ય છે.


