ગૌતમ અદાણીની સંપત્તિમાં દર સપ્તાહે રૂ. 6000 કરોડનો ઉમેરો

Tuesday 22nd March 2022 18:05 EDT
 
 

નવી દિલ્હી: ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની સંપત્તિમાં પાછલા એક વર્ષમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અદાણીની સંપત્તિમાં વર્ષ દરમિયાન 49 બિલિયન ડોલર (3733.97 બિલિયન રૂપિયા)નો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2022ના હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં અદાણીએ આ આગવી સિદ્ધિ નોંધાવી છે. અદાણી જૂથના ચેરમેને પાછલા વર્ષના દર સપ્તાહે રૂ. 6000 કરોડની કમાણી કરી હતી. પાછલા એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 153 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે ગૌતમ અદાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં વર્ષ દરમિયાન સૌથી મોટો વધારો નોંધાવનારા ઉદ્યોગપતિ બની ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિ 2020માં 17 બિલિયન ડોલર હતી. અદાણી ગ્રીનના લિસ્ટિગ બાદ તે પાંચ ગણી વધીને 81 બિલિયન ડોલર (6172.38 બિલિયન રૂપિયા) પર પહોંચી છે.
મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10માં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સર્વેસર્વા મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 ધનકુબેરોની યાદીમાં પ્રવેશ કરનારા એકમાત્ર ભારતીય છે. પાછલા વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો છે અને હાલમાં તેની સંપત્તિનું મૂલ્ય 103 બિલિયન ડોલર (7849.21 બિલિયન રૂપિયા) મૂકવામાં આવે છે. અંબાણી હવે વિશ્વના નવમા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
ગ્લોબલ રિચ લિસ્ટમાં ફાલ્ગુની નાયર
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2022માં નાયકાનાં સંસ્થાપક ફાલ્ગુની નાયરે પણ પોતાની જગા બનાવી છે. પાછલા વર્ષે નાયરની સંપત્તિમાં કુલ 7.6 બિલિયન ડોલરનો વધારો થયો છે. જ્યારે સાઈરસ પૂનાવાલા જૂથના સાઇરસ પૂનાવાલાની સંપત્તિ 41 ટકા ઉછળીને 26 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter