નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો છે. નાણાંપ્રધાન જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં તેણે કેસરિયો ધારણ કર્યો હતો. ઘણા લાંબા સમયથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. નવી દિલ્હીની બેઠક પર મીનાક્ષી લેખીને બદલે તેને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે.
પત્રકારોએ ગંભીર દ્વારા ચૂંટણી લડવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન પૂછાયો ત્યારે જેટલીએ કહ્યું કે પક્ષ દ્વારા જ્યારે આદેશ આપવામાં આવશે ત્યારે નિર્ણય લેવાશે. જે લોકો જનતાનું ધ્યાન ખેંચે છે તેવી પ્રતિભાને અમારી સાથે જોડવાની અમારી જૂની નીતિ રહી છે. ગૌતમ ગંભીરની પ્રતિભાનો પણ લાભ લેવાશે.
ભાજપમાં જોડાયા બાદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય કરવાની શૈલીથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પક્ષ જે જવાબદારી સોંપે તે અદા કરવા તેમણે તૈયારી દર્શાવી હતી.


