નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કોઈપણ ગ્રામપંચાયત તરફથી જાહેર કરવામાં આવતા પ્રમાણપત્રને નાગરિક્તાનો પુરાવો માની શકાય નહીં. રાષ્ટ્રીય નાગરિક્તા રજિસ્ટરમાં નામ નોંધાવાનો દાવો કરવા માટે અન્ય કોઈ કાયદેસરના પુરાવા વિના ગ્રામપંચાયતનું પ્રમાણપત્ર માત્ર એક કાગળના ટુકડા સમાન છે. જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આરએમ નરીમન ખંડપીઠે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતો દ્વારા આવા પ્રમાણપત્રો આપતા પહેલા કોઈ ચકાસણી કરવામાં આવતી નથી.
ખંડપીઠે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકત્વ આપવા માટે ગ્રામપંચાયતના પ્રમાણપત્રને માન્ય ગણતા પહેલાં તેની ચકાસણી કરવી જરૂરી બને છે. સુપ્રીમ કોર્ટ ગૌહત્તી હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો હતો કે ગૌહત્તીમાં એક ગામના ગ્રામપંચાયતના તલાટી દ્વારા અપાયેલા પ્રમાણપત્રને રાષ્ટ્રીય નાગરિક્તા રજિસ્ટરમાં નામ નોંધાવા માટે મંજૂર રાખવુ જોઈએ. એવી અરજી કરાઈ હતી. આ પહેલાં ગૌહત્તી હાઈ કોર્ટે આ દાવાને ફગાવી દીધો હતો. જોકે અરજીકર્તાએ હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ ભારતની નાગરિક્તા માટે ગ્રામ પંચાયતના પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કરી દીધો હતો.
મહત્ત્વનું છે કે ભારતની નાગરિક્તા માટે અત્યાર સુધી ૩.૨૯ કરોડ અરજી મળી છે. જેમાંથી ગ્રામ પંચાયતના પ્રમાણપત્રના આધારે નાગરિક્તાનો દાવો કરતા લોકોની સંખ્યા ૪૮ લાખ કરતાં પણ વધુ છે. આ રજિસ્ટર આસામમાં ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓની ઓળખ માટે તૈયાર કરાઈ રહ્યું છે.