નવી દિલ્હી ૭ઃ ઉત્તરાખંડના ચમોલી પાસે ગ્લેશિયર તૂટવાથી આવેલા ભયાનક પૂર બાદ ફરી એક વખત દેવભૂમિમાં કુદરતના કેરની દિશામાં વિચારવા માટે લોકો મજબૂર બન્યા છે. કેદારનાથની જેમ જ ધસમસતાં પાણી પર્વત ઉપરથી આવ્યાં અને તારાજી સર્જીને જતાં રહ્યાં. આ તમામ બાબતો વચ્ચે જાણીએ કે ગ્લેશિયર શું હોય છે, તે કેવી રીતે રચાય છે અને તેના તૂટવાથી પૂર કેવી રીતે આવે છે અને તે કેવી તારાજી સર્જી શકે છે?
જાણકારોના મતે આ પાછળનું સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. વિદેશી જાણકારોના મતે હિમાલય વિસ્તારમાં સરેરાશ ગરમી એક ડિગ્રી વધી ગઈ છે. આ ગરમીના કારણે ગ્લેશિયરની સપાટી નબળી પડી છે અને તૂટી રહી છે. તેવી જ રીતે નીચેના ભાગમાંથી પણ ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે અને પાણીનું વહેણ ઝડપી થઈ રહ્યું છે. આ કારણોના લીધે ગ્લેશિયર તૂટીને ઝડપથી આગળ વધી રહ્યા છે. જાણકારોના મતે ૪૦ વર્ષમાં ગ્લેશિયરના કુલ કદમાં ચોથા ભાગ જેટલો ઘટાડો થયો છે. ખાસ કરીને બાયોમાસ અને અશ્મિ ઈંધણના વધુ પડતા ઉપયોગના કારણે એશિયાઈ દેશોમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે.
શું હોય છે આ ગ્લેશિયર?
ગ્લેશિયર સામાન્ય રીતે બરફનો મોટો જથ્થો જ હોય છે જે જમીન ઉપર ધીમે ધીમે વહે છે. ગ્લેશિયર બે પ્રકારના હોય છે, આલ્પાઇન ગ્લેશિયર એટલે કે ખીણમાં વહેતા ગ્લેશિયર અને બીજા હોય છે પર્વતીય ગ્લેશિયર એટલે કે બરફની ચાદર. ખીણમાં રહેલા ગ્લેશિયર વધારે જોખમી હોતાં નથી પણ પર્વતીય ગ્લેશિયર સૌથી વધુ જોખમી હોય છે. સામાન્ય રીતે જેમ જેમ બરફ પડતો જાય છે તેમ તેમ નીચેની સપાટીનો બરફ નક્કર થતો જાય છે અને તેનું ઘનત્વ વધતું જાય છે. પોતાના વજનના કારણે તે પીગળીને વહીને હિમનદીમાં રૂપાંતરિત થઈ જાય છે અને વહેવા લાગે છે.
હિમસ્ખલન થવાની શક્યતા વધે
જાણકારોના મતે ગ્લેશિયર ઓગળવા સમયે પાણી અને બરફની ઝડપ એટલી વધી જાય છે કે, તે હિમસ્ખલનનું સ્વરૂપ ધારણ કરી લે છે. ખીણ વિસ્તારમાં પાણી અને બરફ ધસી આવે છે. પાણીની સાથે સાથે બરફનો જથ્થો પણ એટલો વિશાળ હોય છે કે તે આસપાસની તમામ વસ્તુઓ, જગ્યાઓને નુકસાન પહોંચાડે છે.
કાલ્વિંગ સૌથી વધુ જોખમી
પાણી અને બરફના વિશાળ જથ્થા ધરાવતા ગ્લેશિયરને ટાઈડવોટર ગ્લેશિયર કહે છે. ગ્લેશિયરનો કેટલોક ભાગ પાણીની ઉપર તરતો દેખાય છે તે પણ ઘણો મોટો હોય છે. તેવી જ રીતે ઘણા મોટા મીટર લંબાઈ અને ઊંચાઈ ધરાવતા ગ્લેશિયર પાણીમાં અંદર પણ તરતા હોય છે જે વધારે જોખમી હોય છે. ગ્લેશિયરના મોટા મોટા ટુકડા પાણીમાં તરવા લાગે તેને કાલ્વિંગ કહે છે જે પ્રચંડ સ્વરૂપ ધારણ કરવાનું જોખમ હોય છે. આ ટુકડા પોતાના રસ્તામાં આવતી તમામ વસ્તુઓ અને સ્થળોનો કચ્ચરઘાણ કાઢી નાખવા સક્ષમ હોય છે. તે જમીન ઉપર મોટા ખાડા પણ કરી શકે છે.


