નવી દિલ્હીઃ નાસાના મેવન યાનના ખર્ચ કરતાં દસમા ભાગના ખર્ચથી પોતાનું ઓર્બિટર મંગળયાત્રાએ મોકલનારા ભારતની નજર હવે ચંદ્ર ઉપર વસાહત વસાવવાની છે. ભારતીય અવકાશ સંસ્થા ઇસરો ચંદ્ર ઉપર કઈ રીતે વસાહત સ્થાપી શકાય તેની શક્યતા ચકાસી રહી છે. સાંસદોને માહિતી આપતાં અવકાશવિજ્ઞાનના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, શૈક્ષિણક સંસ્થાનોની સાથે ઇસરો ચંદ્ર ઉપર વસાહત માટે સક્ષમ માળખા અંગે પ્રયોગ કરી રહી છે. તેમણે વધુ ઉમેર્યું હતું કે, વસાહત માટે જરૂરિયાત અને જટિલતાને ધ્યાનમાં લઈને વિવિધ વિકલ્પ વિચારાઈ રહ્યા છે. ખાસ કરીને હાલમાં તો ઈગ્લુ આકારનાં મકાનો બનાવવાના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે ચંદ્ર ઉપર તપાસ માટે ઓર્બિટર, લેન્ડર અને રોવર મોકલશે. સ્થાનિક ભૂગોળ અને અન્ય બાબતોનું નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરવામાં આવશે, જેને કારણે ભવિષ્યમાં ત્યાં રહી શકાશે કે નહીં તેની માહિતી મળશે.