બેંગલુરુઃ ચંદ્રની સપાટી પર સંશોધન અને અભ્યાસ માટે લેન્ડર વિક્રમથી છૂટા પડેલા રોવર ‘પ્રજ્ઞાન’ દ્વારા શિવશક્તિ પોઈન્ટની આસપાસ ચક્કર લગાવીને આસાનીથી સંશોધન કાર્ય કરાઈ રહ્યું છે. રોવર ‘પ્રજ્ઞાન’ તેનાં રસ્તામાં આવતા ખાડા ટેકરા જેવા અવરોધોને સરળતાથી પાર કરી રહ્યું છે. ઇસરોએ રોવર ‘પ્રજ્ઞાન’ ક્યાં અને કેવી રીતે કામગીરી કરી રહ્યું છે તેનો નવો વીડિયો જારી કર્યો હતો.
‘પ્રજ્ઞાન’ હાલ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ ખાતે લેન્ડર વિક્રમે જ્યાં ઉતરાણ કર્યું છે તેની આસપાસ ફરી રહ્યું છે. ઇસરોનાં જણાવ્યા મુજબ તે શુક્રવારે 8 મીટર જેટલું ફર્યુ હતું અને એકઠા કરેલા ડેટા પૃથ્વી પર મોકલ્યા હતા. રોવરમાં ગોઠવેલા તમામ ઉપકરણો અત્યારે સારી રીતે કામ કરી રહ્યા છે.
ચંદ્રના રહસ્યોની શોધ
ઇસરોએ જારી કરેલા 40 સેકન્ડનાં વીડિયોમાં રોવર ‘પ્રજ્ઞાન’ વિક્રમના લેન્ડિંગ પોઈન્ટ શિવશક્તિની આસપાસ ચક્કર લગાવી રહ્યું છે અને ચંદ્રના રહસ્યોની શોધ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ શનિવારે આવી જાહેરાત કરી હતી કે લેન્ડર વિક્રમ જ્યાં લેન્ડ થયું છે તે પોઈન્ટને શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. આથી હવે આ પોઈન્ટનો ઉલ્લેખ શિવશક્તિ પોઈન્ટ તરીકે કરાશે. વીડિયોમાં રોવર પ્રજ્ઞાન તેનાં પૈડાની છાપ ચંદ્રની સપાટી પર છોડી જતું હોવાનું જણાયું છે. આ દરમિયાન તેણે એક ખાડો પસાર કર્યો હતો. ખાડો પસાર કર્યા પછી પાછળ ફરીને જોયું પણ હતું.