ચંદ્રયાન-૨ મિશન વિશે જાણવા જેવું...

Friday 13th September 2019 05:18 EDT
 
 

ભારતીય અવકોશ સંશોધન સંસ્થા (ઇસરો)એ લોન્ચ કરેલું મિશન ચંદ્રયાન-૨ છેલ્લા એક સપ્તાહમાં વિશ્વભરમાં જાણીતું થઇ ગયું છે. ભારતનું આ અંતરિક્ષ અભિયાન સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ બાબતોની ઝલક...

ચંદ્રયાન-૧થી ચંદ્રયાન-૨ કેટલું અલગ?

ચંદ્રયાન-૧ને ૨૨ ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ભારતના પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી-સી૧૧થી લોન્ચ કરાયું હતું. જે ૨૯ ઓગસ્ટ ૨૦૦૯ સુધી ૩૧૨ દિવસ માટે ઓપરેશનલ રહ્યું હતું. ચંદ્રયાન-૧ એ ચંદ્ર પર પાણીની ભાળ મેળવી હતી. જે ‘ઇસરો’ માટે મોટી ઉપલબ્ધિ હતી. આ ઉપરાંત ઉત્તર ધ્રુવ પર વોટર આઇસની પણ ભાળ મળી હતી. એટલું જ નહીં ચંદ્ર પર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન હોવાનું જાણવા મળ્યું હતું. ચંદ્રયાન-૨ મિશન ચંદ્રયાન-૧થી ઘણું અલગ છે. આ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવને કેન્દ્રમાં રાખીને હાથ ધરાયું હતું. આ સ્થળ પર આજ સુધીમાં વિશ્વનો કોઇ દેશ પહોંચી શક્યો નથી.

ભારત-રશિયાનો સહિયારો પ્રોજેક્ટ હતો

ચંદ્રયાન-૨ને ૨૦૧૧માં લોન્ચ કરવાની યોજના હતી. ચંદ્રયાન-૧ની ૨૦૦૮માં સફળતા પછી તરત આ યોજના હાથ ધરવાની હતી. ચંદ્રયાન-૨ મિશન વિશે તો ચંદ્રયાન-૧ મિશન કરતાં અગાઉ જ ઘણો વિચાર કરાયો હતો. ચંદ્રયાન-૨ મિશન એ સમયે ભારત અને રશિયાના સહયોગથી હાથ ધરાવાનું હતું. જેમાં ‘ઇસરો’ દ્વારા રોકેટ અને ઓર્બિટર મોડ્યુલની વ્યવસ્થા થવાની હતી જ્યારે લેન્ડર અને રોવર મોડ્યુલ્સ રશિયાની રોસકોસમોસ સ્પેસ એજન્સી તરફથી આવવાના હતા. તે સમયે ‘ઇસરો’ પાસે પોતાનું લેન્ડર કે રોવરનું નિર્માણ કરવાની ક્ષમતા નહોતી. આ પછી રોસકોસમોસ એજન્સીએ ડિઝાઇનમાં ફેરફાર કરવા પડ્યા હતા અને તેણે જે નવી ડિઝાઇન આપી હતી તે ચંદ્રયાન-૨ માટે બંધબેસે એવી નહોતી. આથી ભારતે એકલા હાથે મિશન હાથ ધર્યું હતું.

ભાવિ પ્રોજેક્ટ પર કોઈ અસર નહીં થાય

ચંદ્રયાન-૨ પ્રોજેક્ટમાં ભલે અવરોધો સર્જાયા પણ તેના અન્ય ભાવિ પ્રોજેક્ટ પર તેની કોઈ માઠી અસર નહીં થાય. તમામ પ્રોજેક્ટ સમયસર હાથ ધરાશે, તેમ ‘ઇસરો’એ જણાવ્યું હતું. સૂર્યની શક્તિ પારખવા ૨૦૨૦ સુધીમાં જ્યારે અંતરિક્ષ રોકેટ અવતારનો પ્રોજેક્ટ તેમજ શુક્રયાન મિશન સમયસર હાથ ધરાશે. માત્ર કાર્ટોસેટ-૩નું લોન્ચિંગ પહેલા ઓક્ટોબરમાં થવાનું હતું પણ હવે એક મહિના મોડું થઈ શકે.

ઇઝરાયલનું બેરેશીટ મૂન મિશન નિષ્ફળ રહ્યું હતું

૧૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇઝરાયેલનું બેરેશીટ સ્પેસક્રાફ્ટ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરતી વેળા નિષ્ફળ ગયું હતું. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટીની તસવીરો લેવાનો તેમજ કેટલાક પ્રયોગો હાથ ધરવાનો હતો. ઇઝરાયલ આ મિશન દ્વારા ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો હતો. આ પૂર્વે રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યાં હતાં. તે સમયે તેલ અવીવ સ્થિત કંટ્રોલ રૂમમાં હાજર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, જો પહેલા પ્રયાસમાં તમે સફળ રહ્યા નથી તો ફરી વાર
પ્રયાસ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter