નવી દિલ્હીઃ રાજ્યસભામાં મોદી સરકાર મહત્વપૂર્ણ બિલો રજુ કરવા જઇ રહી છે, જેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે. જોકે અગાઉની જેમ આ વખતે પણ સરકારના મોટા ભાગના બિલો લોકસભામાં તો પસાર થઇ જશે પણ રાજ્યસભામાં બહુમત ન હોવાથી અટકી પડે તેવી સ્થિતિ છે.
બીજી તરફ ટીડીપીના ચાર સાંસદો ભાજપમાં જોડાઇ ગયા છે. આ સાંસદો રાજ્યસભાના સભ્યો છે જેને પગલે હવે રાજ્યસભામાં એનડીએની સંખ્યા વધી ગઇ છે. ટીડીપીના આ ચાર સાંસદોની સાથે રાજ્યસભામાં એનડીએના સાંસદોની સંખ્યા વધીને હવે ૧૦૬ પર પહોંચી ગઇ છે.
હાલ ૧૦૬ના આંકડા સાથે એનડીએ બહુમતથી માત્ર ૧૮ બેઠકો દુર છે, આ ૧૮ બેઠકો મેળવવાના પ્રયાસોમાં હાલ ભાજપ લાગી ગયો છે. ૨૪૫ સાંસદો ધરાવતા રાજ્યસભામાં યુપીએની સંખ્યા ૬૬ પર છે.
જ્યારે જે પક્ષો એનડીએ કે યુપીએ બેમાંથી એક પણ સાથે જોડાયેલા નથી તેની સંખ્યા પણ ૬૬ છે. તેથી ભાજપ આવા પક્ષોને મનાવવાના પ્રયાસોમાં પણ લાગી ગયો છે. નોંધનીય છે કે રાજ્યસભામાં સરકાર મહત્વપૂર્ણ બિલ રજુ કરવા જઇ રહી છે જેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે.
અગાઉ જે પણ બિલ રાજ્યસભામાં અટકી પડયા હતા તેને હવે ફરી લોકસભામાં રજુ કરવામાં આવશે જે બાદ તે રાજ્યસભામાં આવશે. કોંગ્રેસે ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી જીતી છે જેને પગલે આ રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્યસભામાં બેઠકો વધી શકે છે. બીજી તરફ આવી જ સ્થિતિ ભાજપની પણ રહી શકે છે.
પક્ષમાં ગાબડું પડ્યું ત્યારે ચંદ્રાબાબુ વિદેશ પ્રવાસે હતા
જ્યારથી ચંદ્રાબાબુ નાયડુની આગવેની વળી ટીડીપીએ એનડીએમાંથી છેડો ફાડ્યો છે ત્યારથી તેમની મુસીબત વધવાનું શરૂ થયું છે. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષનો કારમો પરાજય થયો છે ત્યારે નાયડુને વીઆઈપી લિસ્ટમાંથી બાકાત કરી દેવાયા છે. હવે નાયડુને ફરી એક વાર તગડો ઝટકો લાગ્યો છે.
ટીડીપીના રાજ્યસભાના ચાર સાંસદો ભાજપમાં સામેલ થઇ ગયા છે. ટીડીપીના રાજ્યસભાના ચાર સાંસદો સી. એમ. રમેશ, ટી. ડી. વેંકટેશ, જી. મોહન રાવ અને વાય. એસ. ચૌધરી ટીડીપી છોડીને ભાજપમાં સામેલ થયા છે. ભાજપના કાર્યકારી આધ્યક્ષ નડ્ડાએ ટીડીપીના ચાર સાંસદોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે ઘણા લાંબા સમયથી આ સાંસદોના મનમાં વિચાર આવતો હતો કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ જઈ રહ્યો છે તે માટે અને આંધ્રના વિકાસ માટે તેમણે ભાજપમાં સામેલ થવું જોઈએ.