ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખુલી ગયા છે. કપાટ ખોલ્યા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો અને આભૂષણોથી શણગારાય છે. પહેલા દિવસે જ 35 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આ સાથે ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે જોશીમઠને કુદરતી આફતથી સુરક્ષિત કરવા માટે રૂ. 1700 કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. પહેલા હપ્તામાં રૂ. 292 કરોડ મળ્યા છે, જેમાં સીવેઝ, રિકંસ્ટ્રક્શન વગેરે કામ થશે.
ચારધામ યાત્રામાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાન એવા કેદારનાથ ધામના કપાટ ગયા શુક્રવારે ભાવિકો માટે ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે મંદિર પરિસરને 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર કરાયો હતો. મંદિરના કપાટ ખુલતા જ ભાવિકોએ અખંડ જ્યોતના દર્શન કર્યા બાદ રૂદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડવ સ્તોત્ર અને કેદારાષ્ટક મંત્રોનો જાપ કર્યો હતો. પહેલા દિવસે 10 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથના દિવ્ય દર્શન કર્યા હતા.