ચાર રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય, સમગ્ર દેશમાં બચ્યા માત્ર 16 ટકા વિધાનસભ્ય

Saturday 11th March 2023 01:48 EST
 
 

નવી દિલ્હી: ભારત જોડો યાત્રા, નેતૃત્વ પરિવર્તન સહિતના ઘણા નિર્ણયો કોંગ્રેસે છેલ્લા અમુક સમયમાં લીધા છે. જોકે આ તમામ નિર્ણયોની અસ૨ ચૂંટણીમાં દેખાતી નથી. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડના ચૂંટણીમાં કોંગ્રેસને નિરાશા મળી છે. ત્રણેય રાજ્યની કુલ 180 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 8 બેઠક જ મળી છે. જેમાં નાગાલેન્ડમાં તો એક પણ બેઠક મળી નથી. ત્રિપુરામાં માત્ર 3 અને મેઘાલયમાં 5 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે. આટલું જ નહીં દેશભરમાં વર્તમાન સમયે 4033 વિધાયક છે. જેમાંથી કોંગ્રેસ પાસે માત્ર 658 જ છે. જે 16 ટકા આસપાસ થાય છે. આ પહેલા 2014માં આ આંકડો 24 ટકા હતો.
ચાર રાજ્યમાં તો કોંગ્રેસના કોઈ ધારાસભ્ય બચ્યા નથી. રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ માટે વર્તમાન સ્થિતિ નિરાશાજનક છે અને ઘણા રાજ્યોમાં સ્થિતિ નબળી પડવાના સંકેત મળી રહ્યા છે. વર્તમાન સમયે આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને દિલ્હીમાં કોંગ્રેસના કોઈ વિધાયક નથી. પશ્ચિમ બંગાળમાં પણ 2021માં કોઈ વિધાયક જીતી શક્યો નહોતો. જોકે ગયા ગુરુવારે આવેલા પેટા ચૂંટણીના પરિણામમાં પશ્ચિમ બંગાળના સાગરદિધી બેઠક ઉપ૨ કોંગ્રેસના ઉમેદવારને જીત મળી હતી અને બંગાળમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે.
ઘણા રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસની હાજરી નામ માત્રની છે. દેશની સૌથી વધારે 403 વિધાનસભા બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાસે માત્ર બે જ વિધાયક છે. બિહારમાં કોંગ્રેસના 19 વિધાયક છે. પંજાબમાં પણ કોંગ્રેસની સ્થિતિ ખુબ નબળી છે. તમિલનાડુ, તેલંગણ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પણ સ્થિતિ કંગાળ છે. જેનાથી સમજી શકાય છે કે દેશના મોટા હિસ્સામાં કોંગ્રેસ સતત પોતાની હાજરી ગુમાવી રહી છે. ભાજપના મુકાબલે રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસ સતત નબળી પડી રહી છે.
દેશના 9 રાજ્યોમાં કોંગ્રેસના વિધાયકની સંખ્યા 10થી ઓછી છે. 137 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. એક તરફ મલ્લિકાર્જુન ખડગેના રૂપમાં કોંગ્રેસે દલિત નેતાને કમાન આપી છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. તેમ છતા પણ બેઠકો ન મળવી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter