ચાર રાજ્યોમાં ભાજપ, પંજાબમાં ‘આપ’ અને કોંગ્રેસ સાફ

Thursday 17th March 2022 05:32 EDT
 
 

નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણી જંગમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે. મિની લોકસભા ચૂંટણી જંગ ગણાવાયેલી આ ચૂંટણીમાં છવાયેલા મોદીમેજિકના પગલે ચાર રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરી એક વખત ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે. જ્યારે પંજાબમાં ‘આપ’ સરકારનું આગમન થયું છે. પાંચેય રાજ્યોની આ ચૂંટણીમાં ભાજપ વધુ સશક્ત બનીને ઉભર્યો છે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ વધુ રાજ્ય સર કર્યું છે, પણ દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસની બેઠકનો આંકડો ડબલ ડિજિટમાં પણ પહોંચ્યો નથી.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. તમામ રાજ્યોમાં કોંગ્રેસ અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં. પાંચ રાજ્યોના મતદારોએ ભાજપના વિકાસને વરમાળા પહેરાવી હતી જ્યારે કોંગ્રેસ, સપા, બસપા તેમજ અન્ય પક્ષોના પરિવારવાદને જાકારો આપ્યો છે.
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાએ ચાર રાજ્યોનાં પરિણામમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ રાજ્યોમાં સત્તા હાંસલ કરવા માટે મોદીના જાદુઈ ચહેરાનો કરિશ્મા કામ લાગ્યો છે. મોદી સરકારનાં સુશાસન અને વિકાસની કામગીરીને પસંદ કરીને લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. પાંચ રાજ્યોની આ ચૂંટણીને 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની સેમિ-ફાઈનલ તરીકે ગણવામાં આવી રહી છે.
• ઉત્તર પ્રદેશઃ દેશમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સતત બીજી મુદત માટે શાનદાર વિજય મેળવીને પુરવાર કર્યું છે કે મતદારોને મોદી અને યોગીના નેતૃત્વમાં ભરપૂર ભરોસો છે. 403 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ વિધાનસભા ગૃહમાં ભાજપે એકલા હાથે 248 બેઠકો જીતીને જ્વલંત વિજય મેળવ્યો છે. ભાજપના આ વિજય સાથે સાથી પક્ષોની બેઠકો ઉમેરવામાં આવે તો આંકડો 273 પર પહોંચે છે. રાજ્યમાં અખિલેશ યાદવની સપા 125 બેઠકો સાથે બીજા નંબરે રહી છે. એક સમયે રાજ્યમાં ભારે દબદબો ધરાવતી કોંગ્રેસને કારમી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે મુખ્ય વિપક્ષ ગણાતી કોંગ્રેસ દેશના સૌથી મોટા રાજ્યમાં માત્ર બે બેઠકો પર સમેટાઇ ગઇ છે. જ્યારે માયાવતીના બસપાના ફાળે માત્ર એક બેઠક આવી છે.

• પંજાબઃ રાજ્યમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ 117 બેઠકો ધરાવતી વિધાનસભામાં 92 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને વિરોધીઓનો સફાયો કરી નાંખ્યો છે. અહીં શાસક કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર સમેટાઇ ગઇ છે. જ્યારે શીરોમણી અકાલી દળ (એસએડી)ના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. જ્યારે ભાજપને તો માત્ર બે જ બેઠકો મળી છે. કિસાન આંદોલનનું એપીસેન્ટર એવા પંજાબમાં ભાજપ માટે તો આમ પણ વિજયની શક્યતા ધૂંધળી હતી, પરંતુ કોંગ્રેસ ભાજપવિરોધ જુવાળનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે તે હકીકત છે. છેક ચૂંટણી જાહેર થઇ ત્યાં સુધી આંતરકલહમાં અટવાયેલી કોંગ્રેસની આ નબળાઇનો ‘આપ’ના વિજયને ‘પ્રચંડ’ બનાવ્યો છે એમ કહી શકાય.

• ઉત્તરાખંડઃ રાજ્યમાં એક તબક્કે એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહેલા ભાજપે શાનદાર દેખાવ કરતાં 70માંથી 48 બેઠકો પર વિજય પાક્કો કર્યો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 18 તો અન્યોને ફાળે 4 બેઠકો ગઇ છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્યમાં ભાજપનો શાનદાર વિજય થયો છે, પણ તેના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો કારમો પરાજય થયો છે.

• ગોવાઃ રાજ્યમાં ભાજપે રાજકીય વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. પક્ષે 40 બેઠકોના ગૃહમાં 20 બેઠકો મેળવી છે. જ્યારે અહીં કોંગ્રેસ 11 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે. ગોવામાં ‘આપ’ અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (એમજીપી)એ બે-બે બેઠકો મેળવી છે.

• મણિપુરઃ રાજ્યમાં ભાજપે 60માંથી 32 બેઠકો પર વિજય મેળવીને બીજી મુદત માટે શાસનધૂરા સંભાળવાનું પાક્કું કરી લીધું છે. રાજ્યમાં એનપીપીએ 8 બેઠકો અને કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 16 બેઠકો અન્યોના ફાળે ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter