નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે ત્યારે સોમવારે તેમની કસ્ટડીને લંબાવવામાં આવી હતી અને વધુ એક દિવસ તેઓ સીબીઆઇની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચિદમ્બરમના વકીલ સેશન કોર્ટ, ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી પર વહેલી સુનાવણીની માગણી કરી શકશે નહીં. પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચિદમ્બરમના વકીલ સેશન કોર્ટ, ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી માટે વહેલા સુનાવણીની માગણી પણ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ પાંચ સપ્ટેમ્બરના રોજ ઈડીના કેસમાં આગોતરા જામીન અરજી અંગે ચુકાદો આપશે. કોર્ટે ૩૦મી ઓગસ્ટના રોજ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા જેનો સમય સોમવારે પૂરો થઇ રહ્યો હતો. પરિણામે વધુ એક દિવસ તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે ચિદમ્બરમને જામીન મળવા જોઇએ કેમ કે તેમની ઉમર ૭૩ વર્ષ છે અને આ ઉંમરે તેમને જેલમાં ન રાખી શકાય. બાદમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને કહ્યું હતું કે ચિદમ્બરમના વચગાળાના જામીન અંગે વિચારવામાં આવે. ચિદમ્બરમ પર પોતાની જ પુત્રીની હત્યાની આરોપી ઇંદ્રાણીએ આરોપો લગાવ્યા છે અને ઇંદ્રાણીના નિવેદનના આધારે જ સમગ્ર કેસ સામે આવ્યો હતો. જોકે હજુ સુધી તેના આ આરોપોનો કોઇ પુરાવો સામે નથી આવ્યો અને ચિદમ્બરમ પોતાના બચાવમાં દાવા કરી રહ્યા છે કે માત્ર મને પરેશાન કરવા અને મારી છાપ ખરાબ કરવા માટે જ ધરપકડ કરવામાં આવી છે.


